રાજકોટ સિટી બસ અકસ્માત: ૪ નિર્દોષના મોત બાદ તંત્ર જાગ્યું, ડ્રાઈવરની વય મર્યાદા નક્કી, ફિટનેસ સર્ટી ફરજિયાત, નવી SOP જાહેર
૧૧ સભ્યોની કમિટી કરશે તપાસ! રાજકોટ બસ અકસ્માતના મૂળ સુધી પહોંચશે RMC.

Rajkot city bus accident: રાજકોટમાં સિટી બસ ચાલકે ચાર નિર્દોષ લોકોનો ભોગ લીધા બાદ મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને ઇલેક્ટ્રિક બસ ઓપરેટ કરતી વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.
આ નોટિસમાં RMCએ વિશ્વમ એજન્સી પાસેથી ઇલેક્ટ્રિક બસ તેમજ તેના ડ્રાઈવરોના ફિટનેસ સર્ટીફિકેટ રજુ કરવા જણાવ્યું છે. એજન્સીને નોટિસ મળ્યાના માત્ર ત્રણ દિવસમાં જ આ તમામ સર્ટિફિકેટ રજુ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
આ ગંભીર ઘટનાના મૂળ સુધી પહોંચવા અને જવાબદારી નક્કી કરવા માટે RMC કમિશનરે એક ૧૧ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પણ રચના કરી છે. આ કમિટીમાં નાયબ મનપા કમિશનર, સિટી ઈજનેર, આરટીઓ ઓફિસના અધિકારીઓ, ટેક્નિકલ એક્સપર્ટ, રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર અને જનરલ મેનેજર સહિત કુલ ૧૧ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ ટેક્નિકલ અને કાયદાકીય પાસાઓની તપાસ કરીને જવાબદારી અંગેનો પ્રાથમિક રિપોર્ટ એક મહિનામાં રજુ કરશે, જ્યારે જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ ત્રણ મહિનામાં સુપરત કરશે.
ચાર નિર્દોષના જીવ ગયા બાદ ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે RMCએ તાત્કાલિક અસરથી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ જાહેર કરી છે. આ નવી SOP મુજબ, મનપાની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા વાહનોના ડ્રાઈવરો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે ફક્ત ૨૫ થી ૫૮ વર્ષની ઉંમર ધરાવતા ડ્રાઈવરોને જ કામ પર રાખી શકાશે.
નવી SOPમાં ડ્રાઈવરો માટે ફિઝિકલ ફિટનેસ સર્ટીફિકેટ અને વેલિડ લાયસન્સ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એજન્સીઓ પાસેથી સોગંદનામું લેવામાં આવશે કે તેઓ ડ્રાઈવરો પાસેથી આઠ કલાકથી વધુ કામ નહીં લે. વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ પણ દર વર્ષે ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ વચ્ચે આરટીઓ અને માન્ય સંસ્થાઓ પાસેથી મેળવવાના રહેશે. ડ્રાઈવરની ભરતી કરતા પહેલા તેનું ડ્રાઈવિંગ લાયસન્સ ઓછામાં ઓછું બે વર્ષ જૂનું હોવું જોઈએ તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે જાણિતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલે જણાવ્યું હતું કે જો ડ્રાઈવરનું લાયસન્સની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો ડ્રાઈવર સ્પષ્ટપણે ગુનેગાર છે. અને બસ હંકારવા આપવા બદલ એજન્સી પણ એટલી જ જવાબદાર ગણી શકાય. તેમણે પોલીસ દ્વારા ડ્રાઈવર અને એજન્સી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બીજી બાજુ, અકસ્માત બાદ સિટી બસ પર પથ્થરમારો કરવા અને ડ્રાઈવરને માર મારવાના કેસમાં ગાંધીગ્રામ પોલીસે મનીષ ઉર્ફે માન સભાડ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહ નામના ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ રાજકોટ વહીવટી પ્રશાસન પર કટાક્ષ કરતું એક કાર્ટૂન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે 'રંગ બદલવાની હરિફાઈમાં હું રાજકોટ વહીવટી પ્રશાસન સામે હારી ગયો'. આ કાર્ટૂન તંત્ર દ્વારા ઘટના બન્યા બાદ તાત્કાલિક પગલાં લેવા અને પહેલાં કાળજી ન લેવા અંગે કટાક્ષ કરી રહ્યું છે.
ચાર નિર્દોષના મોત બાદ RMC દ્વારા લેવાયેલા આ પગલાં ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવામાં કેટલા અસરકારક નીવડશે તે જોવું રહ્યું, પરંતુ તાત્કાલિક એક્શન મોડમાં આવીને તંત્રએ પોતાની જવાબદારી સ્વીકારી હોવાનું જણાઈ રહ્યું છે.





















