EXCLUSIVE: TRP ગેમ ઝોનમાં જાનહાની થવાનું શું છે મોટું કારણ? SIT રિપોર્ટમાં કરાશે ઉલ્લેખ
48 કલાક બાદ રિપોર્ટ આવશે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા.
Rajkot Fire Updates: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. SIT ના રિપોર્ટ પહેલા ABP અસ્મિતા પાસે આવી EXCLUSIVE માહિતી આવી છે. SIT ના રિપોર્ટમાં ગેમઝોનના સ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરાશે. ગેમઝોનનું સંપૂર્ણ બિલ્ડીંગ સ્ટીલ સ્ટ્રક્ચરનું અને મોટી જાનહાની થવાનું કારણ ધુમાડાના નીકળવાની જગ્યા નહોતી. ગેમઝોનમાં રાખવામાં આવેલ થર્મોકોલ અને વાયરિંગે આગને વધુ વેગ આપ્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાશે. ગેમઝોન શરૂ કરવાની ઉતાવળમાં અમુક સ્થળોએ વાયરિંગ પેનલ બાકી હોવાનો પણ ઉલ્લેખ કરાશે. ગેમઝોનમાં મુકવામાં આવેલી લાકડાની શીટ,અન્ય એક્ટિવિટી માટે મુકાયેલા થર્મોકોલ અને નિયમ અનુસાર પ્રવેશ દ્વાર ન હોવાનો પણ ઉલ્લેખ કરાશે.
રાજકોટથી સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 48 કલાક બાદ રિપોર્ટ આવશે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ શોક વ્યક્ત કર્યો
રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના પર વિદેશ મંત્રી એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, રાજકોટમાં લાગેલી ભીષણ આગમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કરુ છું. આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
TRP ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો
રાજકોટના TRP ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ ડિઝલના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગેમઝોનમાં સપોર્ટ કારની એક્ટિવિટી માટે પેટ્રોલનો જથ્થો રાખવામાં આવતો હતો. ગેમઝોનમાં જનરેટર માટે ડીઝલનો જથ્થો રાખવામાં આવતો હતો. જ્વલનશીલ પદાર્થ રાખવા માટે યોગ્ય વ્યવસ્થાના બદલે કેરબા ભરીને રાખતાં હતાં. આગ લાગતાં કેરબામાં ભરેલું પેટ્રોલ ડીઝલ એક સાથે સળગી ઉઠ્યું હતું.
રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.