Rajkot : બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતીની પૂર્વ પતિએ ગોળી મારીને કરી નાંખી હત્યા, શું છે કારણ?
યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ દેશી કટાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ પછી દેશી કટ્ટો ત્યાં જ નાંખીને ફરાર થઈ ગયો હતો.
રાજકોટઃ શહેરના પ્રેમ મંદિર પાસે બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની તેના પૂર્વ પતિએ જ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ દેશી કટાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ પછી દેશી કટ્ટો ત્યાં જ નાંખીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સરિતા પંકજભાઈ ચાવડાની હત્યા કરવામાં આવી છે. આજે બપોરે તે પોતાના ઘરમાં પતિ પંકજ સાથે જમી રહી હતી, ત્યારે તેનો પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્ય ઘરે આવી ચડ્યો હતો. તેમજ દેશી કટ્ટાથી હત્યા કરી નાંખી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્યની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ હાથ ધરી છે. આરોપી ગોરખપુરથી આવી મહિલાની હત્યા નિપજાવી હતી. મૃતક મહિલાના પતિ સાથે વાત કરતા આરોપીએ રૂપિયાની લેતી દેતીને કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરપ્રાંતીય આરોપીને માધાપર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે, યુવતીની કેમ હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.