Rajkot: ડુંગળી બાદ મરચાંના ખેડૂતોને પડ્યા પર પાટું, યાર્ડમાં ભરેલી ગાડીઓનો ખડકલો, પણ ભાવમાં 50 ટકાનું ગાબડું
રાજકોટના ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ ફરી એકવાર પેદા થઇ છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મરચાંના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયા છે
Rajkot Marketing News: રાજકોટના ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ ફરી એકવાર પેદા થઇ છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મરચાંના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયા છે. યાર્ડમાં હાલમાં મરચાંની ગાડીઓને જમાવડો થયો છે પરંતુ ભાવોમા 50 ટકા કમી આવી છે, આ પહેલા મરચાંનો ભાવ 5000 થી 6000 સુધીનો હતો, તે ઘટીને 2000 થી 3000 સુધીનો થઇ ગયો છે.
રાજકોટમાં ફરી એકવાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળી પકવતાં ખેડૂતો બાદ હવે મરચાંના ખેડૂતો રડી રહ્યાં છે. હાલમાં ગોંડલ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે, પરંતુ ભાવોમાં ગયા વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, આ ઘટતા ભાવોને લઇને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ પહેલા ડુંગળીના ખેડૂતોની સાથે પણ આ જ સ્થિતિ ઉભી થઇ હતી. હાલમાં રાજકોટમાં એક જ દિવસમાં 12,500 ભારી કરતાં વધારે મરચાંની આવકો થઈ રહી છે. દેશી મરચા કરતા હવે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સાનિયા, રેવા 702 મરચાંની પુષ્કળ આવકો થઈ છે. ગયા વર્ષે યાર્ડમાં એક મણ મરચાંના 5000 થી 6000 ભાવ હતા, તે આ વર્ષે 50 ટકા ઘટ્યા છે. હાલમાં 2000 થી 3200 રૂપિયા ખેડૂતોને એક મણના ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોંડલ સહિતના વિસ્તારોમાં મરચાંનું વાવેતર થાય છે. રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ મરચાંનું વાવેતર છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક, ખેડૂતો બળદગાડામાં મરચાં વેચવા આવ્યાં
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઇ. મરચાની 85 હજાર ભારીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. યાર્ડ બહાર મરચાં ભરેલા 1700 થી 1800 વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચાં વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા. ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના 20 કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર 300 સુધી બોલાયા હતા. અત્યાર સુધીમાં મરચાંના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો છે.
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા
ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.
ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા બાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.
રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.