Rajkot: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, જાણો કોણે આપ્યું રાજીનામું
Gujarat Congress: બંને નેતાએ પોતાના કામની નોંધ લેવાતી ન હોવાથી રાજીનામા આપ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે.
Rajkot: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. રાજકોટ જિલ્લાના બે તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુર સિંહ જાડેજાએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.
કેમ આપ્યા રાજીનામાં
બંને નેતાએ પોતાના કામની નોંધ લેવાતી ન હોવાથી રાજીનામા આપ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટી છે.
અમરેલીમાં બની કાળજું કંપાવી દેતી ઘટના, ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થતાં માતાનું હૈયાફાટ રૂદન
અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી. ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.10), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.7) હોવાનું જાણવા મળ્યું છે.
મજૂર પરિવારના સભ્યો આગળ જતા અને બાળકો પાછળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાછળ ચાલતા હોવાથી પરિવાર આ વાતથી અજાણ હતો. જ્યારે તેમને જાણ થઈ ત્યારે સ્થળ પર પહોંચીને રોકકળ અને દેકારો કરવા લાગ્યા હતા. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. ખાડામાં ડૂબી ગયેલા બાળકોને કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માતા સ્ટ્રેચર પર મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો.
બસમાં પંચર પડતાં ડ્રાઇવર બસ સાઇડમાં રાખી બદલાવી રહ્યો હતો વ્હીલ, પાછળથી આવ્યો ટ્રકને.....
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વ્હીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકા ભેર અથડાવી હતી. વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.
અમદાવાદમાં બીઆરટીએસ બસ સામ સામી અથડાઈ
અમદાવાદમાં આજે ફરી એક વખત બીઆરટીએસની બે બસનો અકસ્માત થયો છે. બંને બસો સામ સામી ટકરાઈ હતી. ઈસ્કોન ચાર રસ્તા પર બીઆરટીએસની બસનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો હતો. ઘાયલ રાહદારીને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રાહદારીને બચાવવાના પ્રયાસમાં અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીના દાવા મુજબ, આંબલી ગામ તરફ જતી બસનું સિગ્નલ બંધ હતું. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.