Rajkot: સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાના વિરોધીઓનો યૂ-ટર્ન, હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટ પરત ખેંચતા અનેક તર્કવિતર્ક
Rajkot: રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામે પડેલા ભાજપના તમામ જૂથોએ સમાધાન કર્યું હતું
Rajkot: સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન જયેશ રાદડિયા વધુ મજબૂત બન્યા હતા. મળતી જાણકારી અનુસાર, સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી જે પરત ખેંચવામાં આવી હતી. રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામે પડેલા ભાજપના તમામ જૂથોએ સમાધાન કર્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં રાદડિયાનું કદ વધ્યું હતું. અત્યાર સુધી ભાજપના જ કેટલાક નેતાઓ રાદડિયાનો વિરોધ કરતા હતા. પરંતુ અચાનક રાદડિયા જૂથ સાથે વિરોધીઓએ સમાધાન કરી લીધું હતું. રાદડિયા સાથે સમાધાન કરવા પાછળના કારણો શું રહ્યા હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના તમામ જૂથ એક થયા હતા. હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા, વિજય સખીયાએ સમાધાન કર્યું હતું. રાજ્ય રાજકોટ જિલ્લા સહકારી બેન્ક અને જયેશ રાદડિયા સાથે ભાજપના જ નેતાઓ હરદેવસિંહ જાડેજા,નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલિયા અને વિજય સખીયા જૂથે સમાધાન કર્યું હતું.
ઘણા સમયથી ભાજપના જ બે સહકારી જૂથો સામ સામે આવી ગયા હતા. પરંતુ બાદમાં સમાધાન થતા રાદડિયા સામે હાઇકોર્ટમાં કરેલી રિટ અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી હતી. બંન્ને ગ્રુપના કોમન રાજકીય મિત્રોએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા છે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં જયેશ રાદડિયા અને જિલ્લા બેન્કમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અચાનક જ હાઇકોર્ટમાં કરેલી રિટ પાછી ખેંચી લેતા સૌરાષ્ટ્રના રાજકારણ ખળભળાટ મચી ગયો છે. હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા એક થયા હતા. વિજય સખીયાએ પણ ઢાંકેચા અને સાવલિયા સાથે સમાધાન કર્યું હતું.
નોંધનીય છે કે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ અગ્રણીઓએ બાંયો ચડાવી હતી. ભાજપના અગ્રણી નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં ભરતી કૌભાંડ કર્યું છે. જોકે, આ મામલે રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ભાજપના જ કેટલાક આગેવાનો નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલિયા સહિતના લોકોએ જયેશ રાદડિયા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જયેશ રાદડિયાએ પ્યુનની ભરતીમાં રૂપિયા લઈને લોકોની ભરતી કરી હતી. કોઈ પણ પ્રકારની જાહેરખબર આપ્યા વગર આ તમામ લોકોની ભરતી કરવામાં આવી હતી અને કોઈના પણ ઈન્ટરવ્યૂ પર લેવાયા નહોતા.
તાજેતરમાં જ આ પ્રકારનો એક વિવાદ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિવાદ છે રાજય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નેરશ પટેલ વચ્ચેનો. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની દુશ્મનાવટ માત્ર વ્યક્તિત્વની લડાઈ નથી પરંતુ રાજકીય સત્તા અને સામાજિક પ્રભાવની હરીફાઈ છે. તેના મૂળમાં ગુજરાતના રાજકીય અને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં વર્ચસ્વ મેળવવા માટેની લડાઈ છે. જયેશ રાદડિયાની રાજકીય મહત્વાકાંક્ષાઓ ઘણીવાર ખોડલધામની છત્રછાયા હેઠળ પાટીદાર વોટ બેંકને એકીકૃત કરવાના નરેશ પટેલના પ્રયાસો સાથે અથડાય છે. વર્ષોથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તણાવ વધ્યો છે, જે ક્યારેક જાહેર મતભેદો અને ચૂંટણી સમયે વધુ ઉગ્ર જોવા મળે છે. બંને નેતાઓ વ્યૂહાત્મક રીતે ગુજરાતના ચૂંટણીના ગણિતમાં નિર્ણાયક સાબિત થાય છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ ઉપરાંત જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની દુશ્મનાવટ સમાજને વ્યાપક સામાજિક નુકશાન અને ગુજરાતના રાજકીય પૃષ્ઠભુમિ પર ઊંડી અસર પાડે છે. જયેશ રાદડિયાના સમર્થકો તેમને વિકાસ અને પ્રગતિનુ પ્રતિક માને છે તો નરેશ પટેલના અનુયાયીઓ તેમને સમાજના હિતો અને સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે જોવે છે.