NEETની પરીક્ષા પર સુપ્રીમ કોર્ટેનો નિર્ણય, ગ્રેસ માર્કસ પર યુટર્ન, Re Neetની તારીખ જાહેર
NEET Exam 2024: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હવે જે ઉમેદવારોને ગ્રેસ માર્કસ મળ્યા છે તેઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.
NEET Exam 2024: મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે અલગ-અલગ લોકો દ્વારા અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરીને મહત્વનો નિર્ણય આપ્યો છે. NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ અંગેની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો, જેણે સ્પષ્ટ કર્યું હતું કે NEET કાઉન્સિલિંગ પર કોઈ પ્રતિબંધ હશે નહીં. હવે ગ્રેસ માર્કસ મેળવનાર ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું છે તે જ આ પરીક્ષામાં બેસશે.
NTAએ કોર્ટમાં શું કહ્યું?
NEET પરીક્ષાનું સંચાલન કરતી પરીક્ષા એજન્સી NTAએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, NTA દ્વારા 12 જૂને મળેલી બેઠકમાં રચાયેલી સમિતિએ વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લીધા છે, જે નીચે મુજબ છે-
1. સમિતિનું માનવું છે કે 1563 ઉમેદવારોએ NEET પરીક્ષા માટે ફરીથી હાજર રહેવું પડશે. 1563 ઉમેદવારોને આપવામાં આવેલ તમામ સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે. પરીક્ષા ફરીથી લેવામાં આવશે. જેઓ આ પુનઃપરીક્ષામાં નહીં આવે તેમણે ગ્રેસ માર્કસ વગર પરીક્ષામાં બેસવાનું રહેશે.
2- NTAએ કહ્યું કે, 1563 ઉમેદવારો માટે 23 જૂને NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવશે, ત્યારબાદ કાઉન્સેલિંગ થશે. NTAએ કહ્યું કે ત્રીજી અરજીમાં પેપર લીકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ નથી.
3- સુપ્રીમ કોર્ટે NTAનું નિવેદન રેકોર્ડ પર લીધું. SCએ કહ્યું કે ફરીથી પરીક્ષાની તારીખ આજે જ નક્કી કરવામાં આવશે. જે બાદ 23મી જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, આ તારીખે 1563 વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવામાં આવશે અને 30મી જૂન પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે.
4- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રેસ માર્કિંગ સંબંધિત અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. તેની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
ઉલ્લેખનિય છે કે, NEET પરિણામો જાહેર થયા પછી, જ્યારે એક જ કેન્દ્રે 8 ટોપર્સ જાહેર કર્યા અને 67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 માર્કસ મેળવ્યા, ત્યારે તબીબી વિદ્યાર્થીઓએ NTAને પરિણામોમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો પૂછ્યા અને પરીક્ષામાં ગેરરીતિનો આરોપ મૂક્યો. NTAએ જણાવ્યું હતું કે સમય ગુમાવવાને કારણે 1563 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે.