(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir: ગુજરાત માટે ગર્વની વાત, ભગવાન રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ અર્પણ
ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામના મસ્તક પર જે મુગટ ઝળહળી રહ્યું છે તેને સુરતમાં તૈયાર કરાયું છે. ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડની કિંમતનો મુગટ રામ મંદિરને અર્પણ કર્યો છે.
સુરત: અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામના મસ્તક પર જે મુગટ ઝળહળી રહ્યું છે તેને સુરતમાં તૈયાર કરાયું છે. ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડની કિંમતનો મુગટ રામ મંદિરને અર્પણ કર્યો છે. આ મુગટનું વજન છ કિલો છે. ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવેલા આ મુગટ માટે સાડા ચાર કિલો સોનું તેમજ હીરા, માણેક, નિલમ સહિતના આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગ્રીમ લેબ કંપનીના બે કર્મચારીઓ મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા અને એ પછી રામલલ્લા માટે મુગુટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું.
શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રામ મંદિરના અભિષેક માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ દરમિયાન આખો દેશ 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યો છે.
રામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પીએમ મોદીના હાથમાં વસ્ત્રો અને છતર હતું. આ સમય દરમિયાન, પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા સાધુ-સંતો ખૂબ જ ખુશ અને ઉત્સાહથી ભરેલા દેખાતા હતા. પાછળ બેઠેલા વીઆઈપી મહેમાનો તેમના મોબાઈલ ફોન વડે સુંદર દ્રશ્ય કેદ કરતા જોવા મળ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાન શ્રી રામ લલ્લા સોનાના આભૂષણોમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ ગર્ભગૃહમાં અભિષેક સમયે હાજર હતા. અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાને મંગળધૂન વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દરમિયાન પીએમ સિવાય સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.
રામ મંદિર પહોંચતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પડદાની પાછળ રામલલાની મૂર્તિના દર્શન કર્યા હતા. સોનાથી સુશોભિત રામની મૂર્તિ જોઈને બધાને ગર્વ થયો. આ પછી, યજમાન તરીકે પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં કમળનું ફૂલ લઈને વિધિની શરૂઆત કરી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી રામની ભક્તિમાં ડુબેલા જોવા મળ્યા હતા.