સુરત ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડુ પાડ્યું, 400થી વધુ કાર્યકર્તાઓ 'આપ'માં જોડાયા
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. અડાજણ રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા.
સુરતમાં ભાજપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. અડાજણ રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા.
અડાજણ રાંદેર વિસ્તારએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા. છેલ્લા દોઢ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આપમાં જતા સુરત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં ભાજપનું માળખું ખુબ જ મજબુત માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કાર્યકર્તાઓનાં અનુસાર કોરોના કાળ દરમિયાન સરકાર અને તંત્ર સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
14 જૂને દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની હાજરીમાં પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી અને બુકે આપી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઇસુદાન ગુજરાતના કેજરીવાલ છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન છે. રજવાડામાં વહેંચાયેલા દેશને સરદાર પટેલે મહેનત કરીને એક કર્યો. છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે દેશની હાલત બગાડી છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપ- કોંગ્રેસની દોસ્તીની સરકાર છે. જ્યારે ભાજપને જરૂર હોય ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. ગુજરાતના લોકો, વેપારીઓ ડરેલા છે. ચેમ્બરમાં મારો કાર્યક્રમ યોજાયો હતો જે, સત્તાપક્ષે રદ્દ કરાવ્યો હતો. કોરોનાકાળમાં ગુજરાતને અનાથ તરીકે છોડી દેવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પાસે વિકલ્પ ન રહ્યો હતો. હવે ગુજરાતના લોકોને એક સમર્થ વિકલ્પ મળશે. હવે બદલાશે ગુજરાત. આપ તમામ બેઠક પર વિધાનસભા ચૂંટણી લડશે. શિક્ષણ, આરોગ્ય મુદ્દે આપ ચૂંટણી લડશે. દિલ્લી મોડલ ગુજરાતનું મોડલ ન હોઈ શકે. દરેક રાજ્યની અલગ અલગ સમસ્યા હોય છે. અમે કોઈ પક્ષ કે વ્યક્તિ, નેતાની વિરુદ્ધ નથી.