Gujarat Rian: સુરત જિલ્લામાં જળબંબાકાર, મહુવામાં 5 ઇંચથી વધુ વરસાદ, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rian: હવામાન વિભાગની આગાહીને પગલે સુરત જિલ્લામાં ભારે વરસાદી પડી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. સુરતના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે.
Gujarat Rian: હવામાન વિભાગની આગાહીને પગલે સુરત જિલ્લામાં ભારે વરસાદી પડી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. સુરતના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સવારથી 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. બોરીયા ગામે જાહેર રસ્તા પર પાણી ભરાયા છે. બંગલી ફળિયાના જાહેર રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.
તો સુરત કડોદરા હાઇવે પર લાલ કલરના પાણી ભરાયા છે. હરિપુરા પાસે મિલોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. કડોદરા મિલ માલિકો વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે મિલોનું ગંદુ પાણી ગટર મારફતે હાઇવે પર ઉભરાયું છે. ગટરના ગંદા પાણીમાંથી વાહન ચાલકો ચાલવા મજબુર બન્યા છે. લાલ કલરનું ગંદુ વાસ મારતું પાણી રોડ રસ્તા પર આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પલસાણા બત્રીસ ગંગા ખાડી છલોછલ ભરાઈ ગઈ છે. ખાડીનું પાણી ખેતરમાં પ્રવેશ્યુ છે. પલસાણા તાલુકામાંથી પસાર થતી 32 ગંગા ખાડી બંને કાંઠે વહેતી જોવા મળી છે. ખાડીના પાણી ખેતરોમાં પ્રવેશતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થયું છે. શેરડીના ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ખાડી આસપાસ ગેરકાયદેસર બાંધકામના કારણે ખાડી સાંકડી બની છે. ખાડી સાંકડી બનતા પાણીનું વહેણ ધીમું બન્યું છે. ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા ખાડી આસપાસના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગ કરવામાં આવી છે.
પલસાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સવારથી અત્યાર સુધી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે પલસાણાની બલેશ્વર ખાડી ઉભરાઈ છે. પાણીની ભારે આવક થતા ખાડી ઉભરાઈ છે. ખાડી પર આવવા જવાના રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ખાડી પાર રહેતા 40થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાયું છે. સુરતના પુણા કુંભારીયા પાદર ફળીયામાં પાણી ભરાયા છે. 30થી 35 ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જ્યારે પાંડેસરા શ્રીરામ નગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. પાણી નીકાલની સમસ્યા આ વિસ્તારમાં દર વર્ષે જોવા મળે છે. તો બીજી તરફ સુરત શહેરમાં વધુ એક નાળુ બેસી જવાની ઘટના સામે આવી છે. વરિયાવ અને છાપરા ભાઠાને જોડતી ખાડી પરના નાળા પરનો રોડ ધોવાઈ ગયો છે. માંડ 15 દિવસ પહેલા રાંદેર ઝોન દ્વારા બનાવેલા ખાડીના નાળા પરનો રોડ તૂટી ગયો છે. રાંદેર ઝોનના કાર્યક્ષેત્રમાં આવતું આ નાળુ રાંદેર ઝોન દ્વારા ત્રણ દિવસથી બેરીગેટીગ લગાવી બંધ કરવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોને બેથી ત્રણ કિલોમીટર ફરીને જવું પડતાં હાલાકી પડી રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial