સુરતમાં હીરા કારખાનામાં રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર, પોલીસે કર્યા મોટા ખુલાસા, 5 લોકોની....
કપોદ્રાની અનબ ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં ઝેર ભેળવી ૧૧૮ રત્નકલાકારોને મારવાનો પ્રયાસ, ૪ ICUમાં, તપાસ તેજ.

Surat diamond factory conspiracy: સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ નામની હીરા કંપનીમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. પોલીસ દ્વારા હીરાના કારખાનાનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ રત્નકલાકારોની યાદી બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં ૧૧૮ અસરગ્રસ્તોમાંથી ૪ આઈસીયુ સહિત કુલ ૧૬ રત્નકલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિરણ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૦૪માંથી ૯૦ રત્નકલાકારોને રજા આપવામાં આવી છે, જ્યારે ડાયમંડ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૪માંથી ૧૨ને રજા મળી ગઈ છે. હાલમાં કિરણ હોસ્પિટલમાં ૨ અને ડાયમંડ હોસ્પિટલમાં ૨ રત્નકલાકારો આઈસીયુમાં છે, જ્યારે અન્ય ૧૨ કારીગરોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં પીવાના પાણીનું ફિલ્ટર રાખવામાં આવ્યું હતું, તે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા નથી. પોલીસને એવી આશંકા છે કે આ કૃત્ય કારખાનાથી પરિચિત કોઈ વ્યક્તિ એટલે કે કારખાનાના જ કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. આથી પોલીસે એફએસએલની ટીમની મદદ લઈને અસરગ્રસ્ત ૧૧૮ સહિત કારખાનામાં કામ કરતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
ડીસીપી આલોક કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શંકાસ્પદ જણાતા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ અલગ-અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરી રહી છે. એટલું જ નહીં, અનભ જેમ્સની અંદર આવેલા ડીલરો અને સબ-ડીલરોની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેના માટે ત્રણ વિશેષ ટીમ બનાવવામાં આવી છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસે અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે અને તપાસ હજુ પણ ચાલુ છે.





















