Honey Trap: સોશિયલ મીડિયા પર કોઈ અજાણી મહિલાની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો ચેતી જજો, મુકાઈ જશો મોટી મુસીબતમાં
Latest Surat News: પોલીસે બંને વ્યક્તિઓની ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી લુંટ કરાયેલો મુદ્દામાલ પાછો મેળવી લીધો છે
Crime News: તમારા સોશિયલ મીડિયા પર કોઈ અજાણી મહિલાની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો ચેતી જજો ,કેમ કે આ રીક્વેસ્ટ તમને મુસીબત માં મૂકી શકે છે ,આવી જ એક ફ્રેન્ડ રીક્વેસ્ટ ના કારણે અમદાવાદ અને મુંબઈના બે વ્યક્તિઓ મુસીબત માં મુકાયા છે, બંને વ્યક્તિઓ સાથે હની ટ્રેપની ઘટના બની છે. જોકે પોલીસે બંને વ્યક્તિઓની ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી લુંટ કરાયેલો મુદ્દામાલ પાછો મેળવી લીધો છે
મુંબઈ ખાતે રહેતા અને અમદાવાદ ખાતે રહેતા બે વ્યક્તિઓ પર અલગ અલગ સમયે એક મહિલાના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી ,બંને વ્યક્તિઓ એ ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકાર કરી અને મુસીબતમાં ફસાયા હતા. રીક્વેસ્ટ મોકલનાર મહિલાએ પહેલાં બંને સાથે નિકટતા કેળવી વિશ્વાસમાં લીધા અને ત્યારબાદ મોબાઈલ નંબર લઇ વાતચીત શરૂ કરી,ધીરે ધીરે મીઠી પ્રેમ ભરી વાતો કરી. બંને વ્યક્તિને પોતાની જાળમાં ફસાવ્યા અને ત્યારબાદ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામ ખાતે એક સોસાયટીના મકાનમાં અલગ અલગ સમયે મળવા માટે બોલાવ્યા. બંને વ્યક્તિઓને કંઈ સમજ પડે એ પહેલા મહિલાના મળતિયાઓ આવી પહોચ્યા અને વ્યક્તિઓને માર મારી, ધમકાવી મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટો પડવાની ધમકી આપી ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી ૨ સોનાની ચેન, રોકડ રૂપિયા તેમજ એટીએમ લઇ લઇ બેંકમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા. જોકે બંને વ્યક્તિએ કામરેજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે શું કહ્યું
કામરેજના પી.આઈ અમિત ચાવડાએ કહ્યું, બંને વ્યક્તિ એ નોંધાવેલી ફરિયાદમાં જે એડ્રેસ આપ્યું હતું ત્યાં પોલીસ તપાસ કરતા ઘર બંધ હાલતમાં મળી આવ્યું હતું પરંતુ મહિલાએ બંને વ્યક્તિ સાથે અલગ અલગ સમયે અલગ અલગ ફોન નંબરથી વાત કરી હતી ,પોલીસે તપાસ શરૂ કરતા બે પૈકીનો એક નંબર બંધ આવતો હતો જયારે બીજો નંબર ચાલુ મળી આવ્યો હતો ,પોલીસે મોબાઈલ નંબર લોકેશન કઢાવી તપાસ કરતા સ્થળ પર એક મહિલા અને ત્રણ ઇસમો મળી આવ્યા હતા. મહિલા સહિત ચારેયને પોલીસ મથકે લઈ જઈ આકરી પૂછપરછ કરતા આ ચારેય ભેગા મળી હની ટ્રેપ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ચારેય પાસેથી લુટ કરેલી બે સોનાની ચેન, ૨૭ હજાર રોકડા તેમજ ચાર મોબાઈલ ફોન કબ્જે લીધા છે ,ચાર પૈકી નો એક ઇસમ અગાઉ કચ્છના ગાંધીધામ પોલીસ મથક માં અપહરણ ના ગુના માં ઝડપાઈ ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.