SURAT : ડિંડોલીમાં ધાક-ધમકી આપી પૈસા પડાવનાર કહેવાતા પત્રકાર અરુણ પાઠકની ધરપકડ
Surat News : આ કહેવાતો પત્રકાર બાંધકામ સાઈટો પર જઈ લાખો રૂપિયાની માંગણી કરતો હતો અને જો રૂપિયા ન આપો તો બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતો હતો.
Surat : સુરતના ડિંડોલીમાં એક કહેવાતા પત્રકારે નફ્ફટાઈની હદ વટાવી દીધી. અરુણ પાઠક નામનો કહેવાતો પત્રકાર સામાન્ય માણસોને છેતરી ભય ફેલાવતો હતો. આ કહેવાતો પત્રકાર બાંધકામ સાઈટો પર જઈ લાખો રૂપિયાની માંગણી કરતો હતો અને જો રૂપિયા ન આપો તો બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતો હતો.
આ કહેવાતા પત્રકાર અરુણ પાઠકે ડીંડોલીમાં બાંઘકામની સાઈટ પર જઈ 5 લાખ ની ખંડણી માંગી હતી અને નવનિર્મિત બાંઘકામ પર જઈ માલીકની સાથે મારામારી કરી હતી. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે અરુણ પાઠક અને અન્ય બે સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં અરુણ પાઠકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં કાપોદ્રામાં AAPની રેલીમાં ઘર્ષણ
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. વીજ બિલ ઓછા કરવા બાબતે રેલી યોજાઈ હતી, જેમાં મહિલા.કોર્પોરેટર દ્વારા પોલીસને માર મારવામાં આવતા રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. આપના કોર્પોરેટર સહિત કાર્યકર્તા વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. કાપોદ્રા પોલીસ દ્વારા રેલી અટકાવતા ઘર્ષણ થયું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર રાયોટિંગ અને સરકારી ફરજ પર રુકાવટનો ગુનો પણ નોંધાયો. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.
કામરેજમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત બાયોડીઝલ ઝડપાયું
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયોડીઝલ ઝડપાયું છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ પોલીસે દરોડા પાડી 32 લાખથી વધુની કિમતનું બાયોડીઝલ અને વાહનો અને સાધન સામગ્રી મળી 48 લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 2 લોકોની અટકાયત કરી છે જયારે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દુર છે.
કામરેજ પીઆઈ આર.બી. ભટોળ ને બાતમી મળી હતી કે કામરેજના નવી પારડી ખાતે આવેલા સન સાઈન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર-55માં ગેર કાયદેસર બાયો ડીઝલનો વેપલો ચાલી રહ્યો છે. પ્લોટ નંબર-55માં અલગ અલગ મિશ્રણ ભેગું કરી બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ મિશ્રણ ને 220 લીટરના ડ્રમમાં ભરી પીકઅપ ટેમ્પામાં હાઈવે પર લઇ જઈ ટ્રક ચાલકોને વેચવામાં આવી રહ્યું છે.