SURAT : ઘઉં નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજ, પીએમ મોદીને લખ્યો પત્ર
wheat exports ban : પત્રમાં ઘઉંની નિકાસનો પ્રતિબંધ પાછો ખેંચવા સહિતની નવ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
Surat : કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજ છે. આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવા સહિતની નવ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કરેલી આ જાહેરાત થી ખેડૂતો ને મોટા પાયે નુકશાન થવાની ભીતિ છે. ખેડૂતોની કહેવું છે કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત સામે આ નિર્ણય નુકશાનકારક છે. આ સાથે જ ઘઉંનો ટેકાનો ભાવ કવીંટલ દીઠ 3000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે, તો ડીઝલ પર 50% સબસીડી, ખેત વપરાશના સાધનો પર જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરાઈ છે.
શુક્રવારે નિકાસ પ્રતિબંધની કરી હતી જાહેરાત
ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. સરકારે કહ્યું છે કે ઘઉંની નિકાસને તે લેટર ઓફ ક્રેડિટ હેઠળ મંજૂરી આપવામાં આવશે જે પહેલાથી જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા હતા.
શા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયો?
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું, "દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે."
ભારત સરકાર દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવેલી પરવાનગીના આધારે અને સરકારોની વિનંતીઓના આધારે અન્ય દેશોમાં નિકાસની મંજૂરી આપવામાં આવશે. ભારત સરકાર પાડોશી અને અન્ય સંવેદનશીલ વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે, જે વૈશ્વિક ઘઉંના બજારમાં અચાનક ફેરફારોને કારણે પ્રતિકૂળ અસર કરે છે અને પર્યાપ્ત ઘઉંનો પુરવઠો મેળવવામાં અસમર્થ છે.