Surat: યુવકને ટેલિગ્રામ ઉપર લીંક મોકલી પાર્ટ ટાઈમ જોબના નામે લાખોની છેતરપિંડી, જાણો વિગતો
આરોપીઓ દ્વારા સુરતના યુવકને ટાસ્ક આપવામાં આવતો હતો. જેના બદલામાં રિવર્ડ્સ તરીકે વળતર ચૂકવી વિશ્વાસ અને ભરોસો કેળવી અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.
સુરત: સુરતના યુવકને ટેલિગ્રામ ઉપર લીંક મોકલી પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે 7 લાખથી વધુની છેતરપિંડી આચરવાના કેસમાં ગારમેન્ટના હોલસેલ વેપારી સહિત બે આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા સુરતના યુવકને ટાસ્ક આપવામાં આવતો હતો. જેના બદલામાં રિવર્ડ્સ તરીકે વળતર ચૂકવી વિશ્વાસ અને ભરોસો કેળવી અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ચાર આરોપીઓની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછ બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર બંને આરોપીઓની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો.સામેવાળી વ્યક્તિએ પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે વિશ્વાસ અને ભરોસામાં લઈ વધુ ટાસ્ક કરવાથી સારા વળતરની લાલચ આપી હતી. ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલી લીંક ખોલતા યુવક દ્વારા અવારનવાર આરોપીઓના કહેવા મુજબ ટાસ્ક પૂરો કર્યો હતો. જેના અવેજમાં સારું વળતર પણ ચુકવવામાં આવ્યું હતું. જે બાદ એકસાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7.64 લાખની રકમ ભરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે કેસમાં અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હીની ઠગ ટોળકીના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની પુછપરછમાં વધુ બે રોપીઓના નામ બહાર આવતા દિલ્હી ખાતે ગારમેન્ટ્સનો હોલસેલનો વેપાર કરતા વેપારી સહિત બે ઠગબાજોની ધરકપડ કરવામાં આવી હતી. જે આરોપીઓ દ્વારા અગાઉ ઝડપાયેલા આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરવામાં આવ્યા હતા. જે કેસમાં બંનેની ધરપકડ કરી આગળની તપાસ સુરત સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Gandhinagar: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકારે એડવાન્સ ટેક્ષ ભરનારાઓને રાહત આપવા કરી મોટી જાહેરાત
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો છે. ૩૧ માર્ચ-ર૦રર સુધીની કે તે પહેલાંના બાકી તમામ વેરા ૩૧ માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફીમાંથી ૧૦૦ ટકા માફી મળશે. ૨૦૨૩-૨૪ના વર્ષના વેરાની રકમ ૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને ૧૦ ટકા રિબેટ મળવાપાત્ર થશે. ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.