Gujarat Lockdown: રાજ્યમાં લોકડાઉનનો ડર, આ શહેરમાંથી 3 જ દિવસમાં 15 હજારથી વધુ પરપ્રાંતીય શ્રમિકોએ કરી હિજરત
સુરતથી પોતાના વતન જતાં લોકોના કહેવા મુજબ, દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવે છે. જેના કારણે સરકાર ગમે ત્યારે લોકડાઉન લગાવી દેશે તેમ લાગે છે. શહેરમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ભયનો માહોલ છે તેથી અમે ગામ જઈ રહ્યા છીએ.
સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કહેર મચાવ્યો છે. રાજ્યમાં લોકડાઉન (Lockdown) નહીં લાદવામાં આવે તેમ મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં સુરતમાંથી રોજ હજારો શ્રમિકો (Migrants) પોતાના વતન જવા રવાના થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 15 હજારથી વધુ શ્રમિકોએ સુરત છોડી દીધું હોવાનો હિન્દીની અગ્રણી વેબસાઈટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે.
રેલવેમાં કડકાઈ વધારવામાં આવ્યા બાદ બસો પર બોજ વધ્યો છે. રોજની 100થી વધારે બસો સુરતથી એમપી-યુપી જઈ રહી છે. ગુજરાતમાં રોજી રોટી કમાવા આવેલા શ્રમિકો ફરીથી પોતાના ગામમાં જવા મજબૂર બન્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બસો દ્વારા શ્રમિકો પોતાના ગૃહરાજ્યમાં જઈ રહ્યા છે.
સુરતથી પોતાના વતન જતાં લોકોના કહેવા મુજબ, દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવે છે. જેના કારણે સરકાર ગમે ત્યારે લોકડાઉન લગાવી દેશે તેમ લાગે છે. શહેરમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ભયનો માહોલ છે તેથી અમે ગામ જઈ રહ્યા છીએ.
સુરતમાં શું કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 83,296 પર પહોંચી ગઈ છે.કુલ મોતની સંખ્યા 1404 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 71987 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 9907 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.