Gujarat Rain: ડાંગની નદીઓમાં પૂર, અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ
Gujarat Rain: ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. વઘઈ તાલુકાના ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે

Gujarat Rain: ગુજરાતમાં એક મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે ગુજરાતમાં સાર્વત્રિક પધરામણી કરી છે, સતત વરસાદથી મોટાભાગના નદી-નાળા-ડેમો છલકાઇ ગયા છે અને કેટલીક જગ્યાએ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ કપરાડામાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે. તાજા અપડેટ પ્રમાણે, ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. વઘઈ તાલુકાના ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. ઝાવડા, ડુંગરડા, ભેંસકાતરી, માછળી ખાતર ગામમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે. અનેક ઠેકાણે નાળાઓ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. જીવના જોખમો ગ્રામજનો રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેમાં પૂર્ણા, ગીરા, ખાપરી, અંબિકા નદીના જળસ્તર સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં સુબીરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સાપુતારામાં પોણા ત્રણ તો આહવામાં દોઢ ઈંચ વરસાદ અને ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. તથા જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળતા 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. તથા સાપુતારા વઘઇ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખળો ધસી પડવાના બનાવો પણ બન્યા છે.
વાતાવરણમાં પલટા વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. એક તરફ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ જેવા સ્થળોએ વરસાદની આગાહી પણ છે.





















