દક્ષિણ ગુજરાતના આ ઐતિહાસિક શહેરમાં 18 એપ્રિલ સુધી લોકડાઉન, આસપાસનાં ક્યાં મોટાં ગામોમાં પણ લોકડાઉન ?
સુરત જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે.
સુરતઃ ગુજરાત(Gujarat)માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન (lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. સુરત (Surat) જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે.
તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે. બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.
ભાવનગર (Bhavnagar)ના મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે
તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 15 દિવસના લોકડાઉનની જરૂર છે. આ માગ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ. રાજ્યમાં કોરોના સંક્રમણ તેની સર્વોચ્ય સપાટીએ છે. દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતમાં કિરીટ ગઢવીએ કહ્યુ કે, ત્રણ ચાર દિવસના લોકડાઉનથી કોઈ મતલબ નથી. કેમ કે ત્રણ ચાર દિવસ બાદ ફરી લોકોના ટોળા થાય છે. એટલે જો સંક્રમણની ચેઈન તોડવી હોય તો 15 દિવસના લોકડાઉનની જરૂર છે.
રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.