ફ્લેટધારકોના જીવ પડીકે બંધાયા: બિલ્ડરે બેંકમાંથી લોન લઈ હપ્તા ન ચૂકવતા 176 ફ્લેટ સીલ કરવા નોટીસ, જાણો શું છે મામલો ?
ઘર ખરીદવાનું સપનું ધરાવતા લાચાર ગ્રાહકોની આંખમાં ધૂળ નાંખીને તેમની મજબૂરીનો લાભ ઉઠાવનારાઓની કરતૂતો સમયાંતરે ચર્ચાનું કેન્દ્ર બને છે. સુરતના બમરોલી વિસ્તારમાં આવી જ એક છેતરપિંડીનો બનાવ બન્યો છે.
સુરત: ઘર ખરીદવાનું સપનું ધરાવતા લાચાર ગ્રાહકોની આંખમાં ધૂળ નાંખીને તેમની મજબૂરીનો લાભ ઉઠાવનારાઓની કરતૂતો સમયાંતરે ચર્ચાનું કેન્દ્ર બને છે. સુરતના બમરોલી વિસ્તારમાં આવી જ એક છેતરપિંડીનો બનાવ બન્યો છે. બિલ્ડરે બેંકમાંથી લોન લઈ લીધા પછી હપ્તા ન ભરતા બેન્કે ફ્લેટ સીલ કરવાની નોટીસ ફટકારતા 176 ફ્લેટધારકોના જીવ તાળવે ચોંટી ગયા છે.
176 ફ્લેટધારકો બિલ્ડરના કારણે બેઘર થવાને આરે
સુરતના બમરોલી ચાર રસ્તા પાસે 10 વર્ષ પહેલાં બનાવાયેલાં શ્લોક આર્કેડમાં ફ્લેટ ખરીદનાર 176 ફ્લેટધારકો બિલ્ડરને કારણે બેઘર થવાને આરે ઉભા છે. 9.54 કરોડ રૂપિયા લઇ આ ફ્લેટ વેચ્યા બાદ આ ફ્લેટ ઉપર નાસિક મર્કન્ટાઇલ બેન્કમાંથી 10 કરોડની બારોબાર લોન લઇ હપ્તો નહિ ભરતાં બેન્ક દ્વારા ફ્લેટ સીલ કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. શ્લોક એન્ટરપ્રાઇઝના ભાગીદાર નવીન પટેલ અને મનોજ સિંગાપુરી વિરૂદ્ધ ભોગ બનેલાં ફ્લેટધારકોએ સી.આઇ. ડી. ક્રાઇમમાં દસ્તક દીધી હતી.
સુરતના શ્લોક સોસાયટીનાં પ્રમુખ ચેલા શંકર પટેલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આ સોસાયટીનું આયોજન બ્લોક એન્ટરપ્રાઇઝનાં ભાગીદાર નવીન હરગોવનદાસ પટેલ અને મનોજ હસમુખલાલ સિંગાપુરી દ્વારા બમરોલી ચાર રસ્તા પાસે ખુલ્લી જમીનમાં આયોજન કરાયું હતું. 2012માં તેમણે ડી વિંગમાં 504 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. અમુક રકમ એડવાન્સ લઇ બંને બિલ્ડર્સે સાટાખત કરી આપ્યા હતા અને બાકી ૨કમ બેન્કમાંથી લોન લઇ ચૂકવતાં બિલ્ડરે દસ્તાવેજ અને ફ્લેટનો કબજો પણ આપી દેતાં તેઓ રહેવા પણ જતા રહ્યા હતા.
ફ્લેટ બેન્કમાં મોર્ગેજ મૂકી 10 કરોડની લોન લઇ લીધી
2015માં સોસાયટીમાં નાસિક મર્કન્ટાઇલ બેન્ક ઉધના દરાવાજા શાખા દ્વારા નોટીસ ચોંટાડવામાં આવી હતી. સોસાયટીના 216 ફ્લેટ પૈકી 176 ફ્લેટ આ બેન્કમાં મોર્ગેજ હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું. બંને ઓર્ગેનાઇઝર્સએ આ રહીશોની જાણ બહાર આ ફ્લેટ બેન્કમાં મોર્ગેજ મૂકી 10 કરોડની લોન લઇ લીધી હતી. આ લોન ભરપાઇ નહિ કરવામાં આવતા બેન્ક કબજો લેવાની તૈયારી કરતાં ફ્લેટ ધારકોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
અમદાવાદ સી.આઇ.ડી. ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી
બેઘર થવાને આરે પહોંચેલાં 176 ફ્લેટધારકો દ્વારા અમદાવાદ સી.આઇ.ડી. ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી હતી. જેને આધારે શનિવારે ગુનો નોંધી સી.આઇ.ડી. ક્રાઇમ સુરતના પોલીસ ઇન્સપેક્ટર પી.બી. સાંઘાણીએ વધુ તપાસ હાથ ધરી છે. સી.આઇ.ડી. ક્રાઇમે ગુનો આ નોંધ્યો હતો અને બંનેને પકડવા માટે તેમના ઘરે રેડ કરી હતી. પોલીસની ટીમને જોકે બંને તેમના ઘરે મળી આવ્યા ન હતા. ગુનો નોંધાવવાનો અણસાર આવી ગયો હોય ઘણાં સમય પહેલાં જ બંને અંડરગ્રાઉન્ડ થઇ જ ગયા હતા. પોલીસે તપાસ કરતાં નવીન પટેલે ભૂતકાળમાં મનોજ સિંગાપુરી, કાંતીલાલા માલી અને સંદિપ નાયક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નવીન અને મનોજ સિંગાપુરીએ ઉધના દરવાજા ઉપર ભાગીદારીમાં શ્લોક ટ્રાઇટોન એસોસિયેટ શરૂ કરી હતી. જો કે ડખ્ખો થતાં નવીને ભાગીદાર સહિત ત્રણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. 176 પરિવારો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.
ફ્લેટધારોકનું કહેવું છે કે બિલ્ડર્સે અમારી પાસેથી 9.54 કરોડ લઇ લીધા છે જ્યારે બેન્કમાંથી પણ 10 કરોડની લોન લીધી છે. છેતરપિંડી બદલ અમે સી.આઇ.ડી. ક્રાઇમને ફરિયાદ કરી છે. 176 પરિવારને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવે અને આવા ઠગો પાસેથી રકમ ભરાવડાવવા માટે આગેવાનો અમારી વ્હારે આવે તે જરૂરી છે.