ક્વોરી માલિકો સરકાર સાથે લડી લેવાના મૂડમાં, માંગ નહિ સ્વીકારાય ત્યાં સુધી કામ બંધ રાખવાની ચીમકી
કવોરી માલિકો આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી તમામ કવોરીઓ બંધ રહેશે. સરકારના અગત્યના પ્રોજેક્ટ પર ગંભીર અસર થશે.
SURAT : સુરત જીલ્લાના કામરેજ ખાતે દક્ષિણ ગુજરાત કવોરી એસોસિએશનની મહત્વની મીટીંગ મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી તમામ કવોરી માલિકો 17 જેટલા મુદ્દાની માંગોને લઇ હડતાલ પર ઉતર્યા છે અને તમામ કવોરીઓ હાલ બંધ છે, ત્યારે કવોરી માલિકો આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી તમામ કવોરીઓ બંધ રહેશે. સરકારના અગત્યના પ્રોજેક્ટ પર ગંભીર અસર થશે.
ક્વોરી સંચાલકોની બેઠક મળી
આજરોજ સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઈવે પર એક હોટેલમાં દક્ષિણ ગુજરાતના કવોરી સંચાલકોની અગત્યની મીટીંગ મળી હતી. જેમાં માંગ ને લઇ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને હડતાલની આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. હડતાલને લઇ કવોરીના વ્યવસાય સાથે સંકળાયેલા દોઢ લાખ લોકો હાલ બેરોજગાર થઇ ચુક્યા છે,50 હજાર જેટલી ટ્રકોના પૈંડા થંભી ચુક્યા છે. રાજ્યની કુલ 3000 કવોરી હાલ બંધ છે. કવોરી સંચાલકોની કુલ 17 મુદ્દા સાથેની માંગ છે.
સરકારને પણ થઇ રહ્યું છે નુકસાન
કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની 25 કરોડ રૂપિયાની આવક બંધ છે જયારે DMF, GSTની 10 કરોડની આવક સરકાર ગુમાવી રહી છે. આવી અનેક વસ્તુઓ છે જેનાથી સરકારને નુકશાન થઇ રહ્યું છે.
હાલ ગુજરાત રાજ્યમાં સરકારના મેટ્રો રેલ, બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે વગેરે કામો જોરશોરથી ચાલી રહ્યાં છે અને તમામ વસ્તુઓમાં કપચીની જરૂર પડે છે. પરંતુ હાલ કવોરી સંચાલકોની હડતાલને લઇ તમામ કામો પર તેની અસર ટૂંક સમયમાંજ પડવાની શરુ થશે. સાથે સાથે નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓવર બ્રિજના કામો કે પછી રોડ રસ્તાના કામોમાં પણ કપચીની જરુર પડે છે. જેથી આ તમામ કચેરીઓના કામો પણ ટૂંક સમયમાંજ બંધ થવાની તૈયારીમાં છે.
શું છે કવોરી સંચાલકોની મુખ્ય માંગો ?
કવોરી સંચાલકો પોતાની માંગ ને લઇ 2008થી સરકાર સામે લડત લડી રહ્યાં છે, પરંતુ સરકાર દ્વારા દર વખતે સંચાલકોને લોલીપોપ આપવામાં આવે છે ક્વોરી માલિકોની કુલ 17 માંગો છે જે પૈકીની 8 માંગ મુખ્યત્વે છે, જેમાં કવોરીના ખાડાની માપણીની બાબત,ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા બાબત, કવોરી ઝોન ડીકલેર કરવા બાબત તેમજ ખનીજ કીમત 350 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા કરવા બાબત મુખ્યત્વે છે. કવોરી સંચાલકો આ વખતે લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી એમની માંગો પૂરી ન થાય ત્યાં સુધી કવોરી બંધ રાખવા પર અડીખમ છે.
નિરાકરણ નહી આવે તો દિવાળી સુધી બંધ રાખવાની તૈયારી
હાલ કવોરી બંધ હોવાને લઇ કવોરી સંચાલકો અને કામદારો તો બેરોજગાર થયાજ છે પરંતુ સાથે સાથે સરકાર ને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. હાલ આ હડતાલને સમગ્ર ગુજરાતમાં પ્રચંડ પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને સંચાલકો પણ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો દિવાળી સુધી બંધ રાખવાની તૈયારી દર્શાવી રહ્યા છે.