Surat: કોરોનાના હાહાકાર બાદ બહારથી આવતાં મુસાફરોએ આ ફોર્મ ફરજીયાત ભરવું પડશે, જાણો વિગતે
સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝીટીવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
સુરત: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. સુરતમાં શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 43,294 પર પહોંચી છે અને બુધવારે નવા 315 કેસ નોંધાયા હતા. શહેરનો રિકવરી રેટ 95 ટકા છે. જ્યારે 12,946 લોકો હોમ ક્વોરન્ટાઈન છે.
બે કલાકમાં જ યુ ટર્ન
આ દરમિયાન સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું હતું. કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડીરહ્યો છે. બુધવારે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજ્યાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.
બહારથી આવતા મુસાફરોએ આ ફોર્મ ભરવું પડશે
જે બાદ સુરત શહેરની મુલાકાતે આવતા મુસાફરોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજીયાત બનાવાયું હતું. શહેરની મુલાકાતે આવતાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની માહિતી સુરત મનપાને ફરજિયાત આપવી પડશે. સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝીટીવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
સુરતમાં શું શું થયું બંધ
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.
સુરત સહિત ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂનો અમલ શરૂ
સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને બુધવાર રાતથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. ચાર મહાનગરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપી છે. રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે.