Surat: ચાલુ સ્પીચે મોતનું તેડું! કોલેજના સ્ટેજ પર બોલતાં બોલતાં અમદાવાદની 24 વર્ષીય યુવતી ઢળી પડી, હાર્ટ એટેકની આશંકા
Surat college incident: કાપોદ્રાની ધારુકાવાળા કોલેજની હચમચાવતી ઘટના: IT કંપનીના સેમિનારમાં વક્તવ્ય આપતી વખતે જીલ ઠક્કરનું હૃદય થંભી ગયું, સમગ્ર ઘટના CCTV માં કેદ.

Surat college incident: સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રત્યે લાલ બત્તી ધરી છે. અમદાવાદની વતની અને IT કંપનીમાં કામ કરતી 24 વર્ષીય યુવતી ધારુકાવાળા કોલેજના સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી, ત્યારે અચાનક ઢળી પડતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર કરૂણ ઘટના કોલેજના CCTV કેમેરામાં કેદ થઈ છે. યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું મનાય રહ્યું છે.
વક્તવ્ય દરમિયાન અચાનક તબિયત લથડી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવતીની ઓળખ જીલબેન સુરેશભાઈ ઠક્કર તરીકે થઈ છે. તેઓ મૂળ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી અકાશેઠની પોળના રહીશ હતા. જીલબેન એક IT કંપનીમાં નોકરી કરતા હતા. તેમની કંપની દ્વારા સુરતની કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજમાં એક કેમ્પેઈન/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તેઓ અમદાવાદથી ખાસ સુરત આવ્યા હતા. કોલેજના ઓડિટોરિયમમાં જ્યારે તેઓ વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા, ત્યારે ચાલુ સ્પીચે અચાનક તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા.
પરિવારમાં શોકનું મોજું
સ્ટેજ પર યુવતીના અચાનક પડી જવાથી કોલેજમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. માત્ર 24 વર્ષની વયે આશાસ્પદ યુવતીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક જીલબેનને પરિવારમાં એક મોટો ભાઈ પણ છે.
Surat: ચાલુ સ્પીચે મોતનું તેડું! કોલેજના સ્ટેજ પર બોલતાં બોલતાં અમદાવાદની 24 વર્ષીય યુવતી ઢળી પડી, હાર્ટ એટેકની આશંકા#HEARTATTACK #Surat #suratnews pic.twitter.com/Zw1jGWJjHg
— ABP Asmita (@abpasmitatv) November 17, 2025
પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ
આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે શરીરના વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે, જે રીતે તેઓ અચાનક ઢળી પડ્યા, તે જોતા પ્રાથમિક દૃષ્ટિએ આ હાર્ટ એટેકનો કેસ હોવાની પ્રબળ શક્યતા છે.
યુવાનોમાં સાયલન્ટ કિલર બનતો હાર્ટ એટેક
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં, અને ખાસ કરીને સુરતમાં, નાની વયના લોકોમાં અચાનક બેભાન થઈને મૃત્યુ પામવાના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. સુરતમાં રોજબરોજ સરેરાશ 1 થી 2 વ્યક્તિઓ આ રીતે સાયલન્ટ કિલરનો ભોગ બની રહ્યા છે. જીલબેનનો કિસ્સો પણ આ જ ચિંતાજનક ટ્રેન્ડનો એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસ આ કેસમાં મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.





















