Surat : 13 વર્ષના બાળકને કોઈ લક્ષણ નહીં છતાં થયો કોરોના, સાંજે 7 વાગ્યે લઈ ગયા હોસ્પિટલમાં ને 5 કલાકમાં થયું મોત.......
શહેરના મોટાવરાછા ખાતે ડી-માર્ટ નજીક ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનો 13 વર્ષીય પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. ધ્રુવને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું.
સુરતઃ શહેરના મોટા વરાછાના 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત (Corona Death) થતાં ખળભળાટ મચી ગયો છે. મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
શહેરના મોટાવરાછા ખાતે ડી-માર્ટ નજીક ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનો 13 વર્ષીય પુત્ર ધ્રુવ (Dhruv Korat) રવિવાર સુધી સ્વસ્થ હતો. ધ્રુવને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. અચાનક રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. ધ્રુવનો રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid test) પોઝિટિવ આવ્યો હતો. ધ્રુવની તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલ (Sachi Child Hospital)માં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી. તેમજ આ માટે તેની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયો હતો. તેની સારવાર તરત જ ચાલુ કરી દેવાઇ હતી. જોકે, થોડી સારવાર પછી તેનું નિધન થયું હતું.
હોસ્પિટલ તરફથી મળતી વિગતો પ્રમાણે, ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લવાયો ત્યારે તે સિરિયસ હતો. ધ્રુવને તરત જ વેન્ટિલેટર પર મૂકાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા.
સુરતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. શહેરની સાત હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરતા ડિલરે દાવો કર્યો કે થોડા સમય પહેલા એક હોસ્પિટલમાં દૈનિક 7 ઓક્સિજન સિલીંડરની માગ રહેતી હતી. પરંતું છેલ્લા કેટલાક દિવસોથી માગ સતત વધી રહી છે. હવે એક હોસ્પિટલમાં જ દૈનિક 20થી વધુ ઓક્સિજન સિલિન્ડરની માગ આવી રહી છે. સપ્લાયરે દાવો કર્યો કે મેન્યુફેકચરિંગ અને પ્રોડકશન મેચ નથી થતું. હાલ સુરત શહેરની સ્થિતિ અતિ ચિંતાજનક હોવાનો ઓક્સિજન સપ્લાય કરનારી લક્ષ્મી ગેસ એંજસીના ચિરાગ વસાણીએ દાવો કર્યો છે.
રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.
કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
સોમવારે સુરત શહેરમાં 603 અને ગ્રામ્યમાં 185 સાથે સૌથી વધુ 788 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૭૭૩ અને ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ કેસ નોંધાયા છે. વડોદરા અને રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૧૬-ગ્રામ્યમાં ૧૧૪ સાથે કુલ ૩૩૦, રાજકોટ શહેરમાં ૨૮૩, ગ્રામ્યમાં ૨૮ સાથે ૩૧૧ કેસનો સમાવેશ થાય છે. આમ, ચાર મહાનગરમાં જ ૨ હજાર ૨૧૬ નવા કેસ નોંધાયા છે. તો જામનગરમાં 124, મહેસાણામાં 88, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 66, પાટણમાં 65, પંચમહાલમાં 39 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧ ટકા છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨ હજાર ૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩ લાખ ૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨ ટકા છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦ ટકા, જૂનાગઢમાં ૯૭.૩૦ ટકા, બનાસકાંઠામાં ૯૭ ટકા, ગીર સોમનાથમાં ૯૬.૯૦ ટકાનો રીક્વરી રેટ છે. ૮૧.૯ ટકા સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.