Banaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશે
નવા વર્ષના પ્રથમ દિવસે જ ઉત્તર ગુજરાતને ભૂપેન્દ્ર પટેલ સરકારે ભેટ આપી. ભેટ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી. જુની માગણીઓને સંતોષતા બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી. તાલુકાની સંખ્યાની દ્રષ્ટીએ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકાનો સમાવેશ થાય છે.. એટલુ જ નહીં.. વિસ્તારની દ્રષ્ટીએ પણ બીજા નંબરનો જિલ્લો છે. ત્યારે મુખ્યમંત્રીએ વસતી, વિસ્તાર અને તાલુકાનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનાવવાનો નિર્ણય કર્યો. નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ આઠ તાલુકાના અને ભાભર, થરાદ,થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાનો સમાવેશ થશે. નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર,દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો સમાવેશ થશે. બે નવા જિલ્લાના સર્જનથી સરકાર તરફથી મળતુ ભંડોળ, ગ્રાન્ટમાં વધારો થશે. જેથી નાગરિકોની માળખાકિય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે..