(Source: ECI/ABP News/ABP Majha)
Surat Rain: સુરતમાં કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ, રાત્રીના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ
Surat Monsoon: રાત્રિના વિરામ બાદ શહેરના અઠવા, રિંગ રોડ, ભટાર, મજુરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
Surat Rain: સુરતમાં કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે ફરીથી વરસાદ શરૂ થયો છે. રાત્રિના વિરામ બાદ શહેરના અઠવા, રિંગ રોડ, ભટાર, મજુરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગઈકાલે વરસાદના કારણે કતારગામના અનેક વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્કુલે જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની હાલત કફોડી થઈ ગઈ હતી. વરસાદના કારણે ફરી એક વાર કતારગામ ઝોનમાં પાણીનો નિકાલ ન થતાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. કતારગામની અનેક સોસાયટી બહાર મુખ્ય રસ્તા પર પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી. કતારગામ, વેડરોડ, ડભોલી ચાર રસ્તા અને વડલા સર્કલ ખાતે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. કલાકો સુધી પાણીનો ભરાવો થતાં વાહનો અડધા ડૂબી ગયા હતા. પાર્ક કરેલા વાહનોમાં પાણી ભરાયા હતા જ્યારે વાહન ચાલકોએ રોડ પર ભરાયેલા પાણીમાં જોખમી રીતે વાહન ચલાવતા નજરે પડ્યા હતા.
ઉકાઈ ડેમની જળસપાટી વધી
મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં વરસાદ ધીમો પડતા પાણી છોડવાનું ઘટાડીને 62 હજાર કયુસેક કરાયુ છે. ગત દિવસોમાં છોડાયેલ પાણીની આવક ઉકાઇ ડેમમાં આવતા સપાટીમાં 12 કલાકમાં બે ફુટનો વધારો થયો હતો. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં વરસાદ ધીમો પડયો હતો. જેમાં માલપુરમાં ચાર ઇંચ, ટેસ્કામાં 1.5 ઇંચ, તલોદા, અક્કલકુવા, ઉકાઇ, શહદા, ગીધાડેમાં એક ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ હથનુર ડેમથી ઉકાઇ ડેમ સુધીના ભાગમાં વરસ્યો હતો. જયારે હથનુર ડેમના કેચમેન્ટમાં ઓછો વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમની જળસપાટીમાં 10 જ દિવસમાં 15 ફૂટ નો વધારો થયો છે. ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના ખેડૂતોને ઉકાઈ ડેમમાંથી પાણી મળે છે. 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળે છે, ડેમ ભરાતા 5 લાખ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉપરાંત ઉકાઈ ડેમમાંથી સુરત સહિત 80 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 8 તાલુકામાં એક ઈંચ સુધી, 12 તાલુકામાં પોણો ઈંચ અને 21 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
Join Our Official Telegram Channel: