સુરતમાં લાગ્યા પોસ્ટર, ‘વેપારી ચોર નથી સાહેબ, જે પેતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે’
સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને દુકાનદારોએ વિરોધ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે. ભૂખ, દેવુ, હપ્તા, જવાબદારી, વ્યાજ, બિલ, ટેક્સ, પગાર, બિમારીની બીક, ઘર ખર્ચ એમને એમ કરવા માટે મજબૂર કરે છે.
સુરતઃ કોરોના વાયરસ ફેલાતો (Gujarat Corona Cases) અટકે તે માટે હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew)સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને દુકાનદારોએ વિરોધ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે. ભૂખ, દેવુ, હપ્તા, જવાબદારી, વ્યાજ, બિલ, ટેક્સ, પગાર, બિમારીની બીક, ઘર ખર્ચ એમને એમ કરવા માટે મજબૂર કરે છે. સરકાર એકવાર એક મહિના માટે પગાર, ભથ્થા, પેન્શન રોકીને જુએ. આખા દેશને ખબર પડી જશે કે બેરોજગારી શું છે.
આ ઉપરાંત બેનરમાં અમને અમારી હાલત પર છોડી દો, અમારે આત્મ નિર્ભર બનવું છે તેમ પણ લખ્યું હતું. મીની લોકડાઉનના (Mini Lockdown) કારણે એક મહિના જેટલા સમયથી દુકાનો બંધ છે ત્યારે વેપારીઓની હાલત કફોડી બનતાં તેમણે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને સરકારી દુકાન ખોલવા માટે પરમીશન આપે તેવી માંગ કરી હતી.
રાજ્યમાં એક મહિના બાદ ૯ હજારથી ઓછા કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના ૮,૨૧૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૮૨ના મૃત્યુ થયા હતા . એક મહિના બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૮ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કુલ કેસ હવે ૭,૫૨,૬૧૯ છે જ્યારે કુલ મરણાંક ૯,૧૨૧ છે. ગુજરાતમાં શનિવારની સરખામણીએ રવિવારે કોરોનાના કેસમાં ૮૫૧નો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં હાલ ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૪૮૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૪.૮૫% છે. અત્યારસુધી કુલ ૬,૩૮,૫૯૦ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. ગુજરાતમાં ૧,૨૮,૩૨૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨ કરોડને પાર થયો છે. રાજ્યમાં હાલ ૪,૩૫,૮૦૫ દર્દીઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે.