સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર પર ટુ-વ્હીલર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર પર ટુ-વ્હીલર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં આજથી બે દિવસ સુધી તાપી નદી સિવાયના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને ટુ-વ્હીલર ચાલકોની સલામતીના ધ્યાને લઈ પોલીસ તરફથી નિર્ણય કરાયો છે. પોલીસ કમિશનરે ટુ-વ્હીલર ચાલકો પર પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેની કડક અમલવારી માટે વહેલી સવારથી જ પોલીસ રસ્તા પર ઉતરી ગઈ છે. પોલીસ બ્રિજ તરફ આવતા વાહનોને અટકાવી રહી છે. દરેક ઓવરબ્રિજના બંને તરફના છેડા પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. જે બ્રિજ તરફ આવતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી પરત મોકલી રહી છે. 14 અને 15 જાન્યુઆરીના બે દિવસ માટે ટુ-વ્હીલર ચાલકો માટે ઓવરબ્રિજ પર આવન- જાવન પર પ્રતિબંધ રહેશે.ટુ-વ્હીલર ચાલકોને ફ્લાયઓવર બ્રિજ પર જતા અટકાવાયા હતા. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારના દિવસોમાં ઓવરબ્રિજ પર પતંગના દોરા આવવાની શક્યતા વધુ હોય છે, જેનાથી ગળા કપાવવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. આ જોખમને ટાળવા માટે શહેરના તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. જે વાહનચાલકો આ બે દિવસ દરમિયાન બ્રિજ પર જવા માંગતા હોય તો તેમણે ફરજિયાતપણે બ્રિજની નીચેના સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, ફોર-વ્હીલર વાહનો માટે બ્રિજ ખુલ્લા રહેશે. આ જાહેરનામામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જે ટુ-વ્હીલર ચાલકોએ પોતાના વાહન પર આગળના ભાગે સુરક્ષા માટે 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. પોલીસ કમિશનરના આ આદેશના અમલીકરણ માટે શહેરના દરેક ઓવરબ્રિજ પર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે.





















