Surat: માવઠાથી સુરત જિલ્લાની ખાડીઓ પણ છલકાઈ, વાવ્યા ખાડી પર બનાવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
Unseasonal Rain :કુકરમુંડામાં ચાર ઈંચ, નિઝરમાં અઢી ઈંચ અને ઉચ્છલ, સોનગઢ, વ્યારામાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
Unseasonal Rain :દક્ષિણ ગુજરાતમાં પણ કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરત, તાપી, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ગુવાર, શેરડી, નાગલી, સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાન પહોંચવાની આશંકા છે.
તાપી જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉચ્છલ તાલુકામાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. કુકરમુંડામાં ચાર ઈંચ, નિઝરમાં અઢી ઈંચ અને ઉચ્છલ, સોનગઢ, વ્યારામાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
માવઠાથી સુરત જિલ્લાની ખાડીઓ પણ છલકાઈ હતી. માંડવીના મુઝલાવની વાવ્યા ખાડીમાં પાણીની આવક થતા તેના પર બનાવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. ત્રણ તાલુકાને જોડતા લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર શહેરમાં કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી હતી. કમોસમી વરસાદના કારણે શહેરના સરદાર નગર વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં પણ શહેરની અંદર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. વડેરા, નાના ભંડારીયા, મોટા આંકડીયા, માંગવાપાળ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વડેરા અને નાના ભંડારીયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. નાના ભંડારીયા ગામની નદીમાં પૂર આવતા વાહન ચાલકો પરેશાન થયા હતા. નાના ભંડારીયાથી વડેરા તરફના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.
રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. બપોર બાદ વરસાદનું જોર ઘટી શકે છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. 24 કલાક હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.