Vadodara News: વડોદરાના આ તાલુકામાં બનશે 100 બેડની આધુનિક હોસ્પિટલ, રાજ્ય સરકારે કરી જાહેરાત
Vadodara News: સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે.
Vadodara News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ મધ્ય ગુજરાતના રહેવાસીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.
સાવલી જી.આઇ.ડી.સી.ક્ષેત્ર અને તેની આસપાસમાં જ 1500 થી વધુ ઔધોગિક એકમો આવેલા છે. ઇ.એસ.આઇ. યોજના હેઠળી આવરી લેવાયેલ કર્મચારીઓની સંખ્યા અંદાજીત 35 થી 40 હજાર છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૧૦૦ પથારીની આ આધુનિક હોસ્પિટલથી સાવલી તાલુકાની ઔધોગિક વસાહતોમાં વસતા શ્રમિકો ઉપરાંત કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને તબીબી સેવાઓનો લાભ મળશે. તેઓને સ્થાનિક સ્તરે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં તબીબી સેવા ઉપલબ્ધ બનતા તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે.
વધુ વિગતોમાં મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના વડોદરા જિલ્લામાં અને તેમાં પણ સાવલી તાલુકામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડોદરા જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, ૨૦૨૦ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે. હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.
સરકારે સહાયની કરી જાહેરાત
ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે.