Vadodara: ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું નિધન, કોર્ટમાંથી પરત ફરતા સમયે...
વડોદરા: ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાગદાન ગઢવી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. આજે નાગદાન ગઢવીને ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો.
વડોદરા: ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાગદાન ગઢવી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. આજે નાગદાન ગઢવીને ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો. જ્યાંથી વડોદરા પરત આવતા સમા સાવલી રોડ પર હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું છે.
હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો
મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, નાગદાન ગઢવી વડોદરા સહિત રાજ્યમાં 31 પ્રોહીબિશન ગુનાનો આરોપી હતો . ગત જુલાઈમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હરિયાણાથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તે હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો.
નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના વચ્ચે થયા હતા કરોડોના વ્યવહારો
તમને જણાની દઈએ કે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના જાણીતા બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા બાદ તેની પાસેથી બીજા બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં બંનેના ૨૦ જેટલા બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર થયાનું સામે આવતા પોલીસે તેમના તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા તો બીજી તરફ,પોલીસને નાગદાન ગઢવીના મોબાઇલ ફોનમાંથી દારૂના ધંધા સાથે જોડાયેલા સ્થાનિક બુટલેગરો સાથેની વાતચીતનું રેકોર્ડીંગ પણ મળી આવતા અનેક નવા ખુલાસા થયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલને બુટલેગર નાગદાન ગઢવીના દારૂના નેટવર્કની વિગતો આપતી ઓડીયો ક્લીપ મળી આવી હતી. જે બાદ પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.
જુલાઈ 2022માં નાગદાન ગઢવીની કરવામાં આવી હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે, નાગદાન ગઢવીએ હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. આ ઉપરાંત નાગદાન ગઢવીએ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી. વઢવાણમાં ટ્રક ડ્રાઇવરની નોકરી કરતો નાગદાન ગુજરાત નામચીન દારૂનો સપ્લાયર બની ગયો હતો. નોંધનીય છે કે, નાગદાન વર્ષ 2017થી ફરાર હતો અને તે છેલ્લા 3 મહિનાથી હરિયાણામાં રહેતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે નાગદાન ગઢવીની હરિયાણાના ગુરુગ્રામ ખાતે આલીશાન ફ્લેટમાંથી દબોચી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે, નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના સેંકડો કેસ હતા.