વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
ગણપતિ મહોત્સવ શરૂ થવાના એક દિવસ પહેલા જ વડોદરા શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ગણેશજીની સવારી પર થયેલા ઇંડા ફેંકવાના બનાવથી ભારે રોષ ફેલાયો છે.

Vadodara Ganesh procession: વડોદરામાં ગણેશ મહોત્સવ શરૂ થાય તે પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. મોડી રાત્રે માંડવી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ગણેશજીની સવારી પર અજાણ્યા શખ્સોએ ઇંડા ફેંક્યા હતા. આ ઘટના બાદ હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 7 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, અને આ કેસને ગંભીરતાથી લઈને વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
વડોદરાના માંડવી વિસ્તારમાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટના બની છે, જેના પગલે હિંદુવાદી સંગઠનોએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના વોર્ડ 17 ના નિર્મલ પાર્ક યુવક મંડળની શ્રીજીની સવારી દરમિયાન બની હતી. માહિતી મળતા જ પોલીસ તંત્ર સક્રિય થયું અને તાત્કાલિક ધોરણે 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ટ્રાફિક ડીસીપી એન્ડ્રુ મેકવાનના નિવેદન મુજબ, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી છે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવા પગલાં ભરવામાં આવશે. હાલ, પોલીસે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
શું હતી ઘટના?
ગઈકાલે મોડી રાત્રે, વોર્ડ 17 ના નિર્મલ પાર્ક સોસાયટીના ગણેશજીની સવારી માંડવી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે, કેટલાક અજાણ્યા શખ્સોએ અચાનક સવારી પર ઇંડા ફેંક્યા, જેના કારણે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ. આ ઘટનાની જાણ થતાં જ હિંદુવાદી સંગઠનો અને ભાજપના મનપા દંડક શૈલેષ પાટીલ સહિતના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી.
આ ઘટનાને ગંભીરતાથી લેતા, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ડીસીપી એન્ડ્રુ મેકવાન અને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર નો સમાવેશ થાય છે, તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. પોલીસે આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. મોડી રાત અને વહેલી સવારે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધી 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે.
ડીસીપી મેકવાને જણાવ્યું કે, "અમે આ મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તમામ પાસાઓ ચકાસી રહી છે અને જરૂર પડશે તો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પણ મદદ લેવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ આરોપીઓને પકડીને સખતમાં સખત સજા અપાવવાનો છે."
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પણ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે આ ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓમાં ન આવે અને શાંતિ જાળવી રાખે. પોલીસે માંડવી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે, કારણ કે આ વિસ્તારમાંથી શહેરભરની શ્રીજીની સવારીઓ પસાર થાય છે.





















