વડોદરાના મેયર કેયુર રોકડીયાના નામે VMCના અધિકારી સાથે રૂ.50,000ની છેતરપિંડી
Vadodara News : મેયર કેયુર રોકડીયાએ કોઈને પણ આવી રીતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અપીલ કરી છે.
Vadodara : વડોદરાના મેયર કેયુર રોકડીયાના નામે VMCના અધિકારી સાથે રૂ.50,000ની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા શખ્સે મેયરના ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપના ડીપીમાં મેયર કેયુર રોકડીયાનો ફોટો રાખી અધિકારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરનાર આ ભેજાબાજ શખ્સે વોટ્સએપના ડીપીમાં મેયર કેયુર રોકડીયાનો ફોટો રાખી વડોદરાના
આસી. મ્યુનિ કમિશનર જીગ્નેશ ગોહિલ પાસે 50 હાજર રૂપિયાની માંગણી કરી હતી. જેથી આ અધિકારીએ 50 હાજર રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હતા, જો કે બાદમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને આ અધિકારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના બાદ મેયર કેયુર રોકડીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તેમના ફોટાનો ઉપયોગ કરીને કોઈ ગઠિયાએ અધિકારીને છેતર્યા છે. આ અંગે પોલીસ કમિશનર, સાયબર ક્રાઇમ એસીપીને ઉંડાણપૂર્વક તપાસ કરી સૂચના આપી છે. ગઠીયાનો મોબાઈલ ટ્રેસ કરતા મધ્યપ્રદેશ કે રાજસ્થાનનો હોવાની માહિતી મળી છે. આ સાથે મેયર કેયુર રોકડીયાએ કોઈને પણ આવી રીતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અપીલ કરી છે.
ખંભાત કોમી હિંસા અંગે હાઇકોર્ટમાં પિટિશન
ખંભાતમાં થયેલી કોમી હિંસા અંગે મોટા સમાચાર સમયે આવ્યાં છે. ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે. કોમી હિંસાના કામે નોંધાયેલી FIR ની તપાસ CID ક્રાઇમ અથવા CBI સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ માટે અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ સાથે કોમી હિંસામાં થયેલી તોડફોડ બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.
આણંદના ખંભાતમાં 10 એપ્રિલે રામનવમીના દિવસે જૂથ અથડામણ થઇ હતી અને હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.