Vadodara Rain: વડોદરામાં ભારે વરસાદે નોતરી આફત, સોસાયટી, દુકાનો શોપિંગ મોલ બધું જળમગ્ન
Vadodara Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઇને હવામાન વિભાગે વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Vadodara Rain:હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. વડોદરાના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ઘરોમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઇ જતાં ઘરવખરીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
આજવા ડેમના દરવાજા ખોલાતા વડોદરા શહેર જળમગ્ન બની ગયું છે. જો કે આજવાના દરવાજા બંધ થયા બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે અનેક શોપિંગ સેંટર, દુકાન અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. અનેક ઠેકાણે હજુ પણ કેડથી ગળાડૂબ પાણી હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યાં છે. શહેરમાં બે દિવસથી લાઇટ પણ ન હોવાથી લોકોની મુશ્ક્લી વધી છે,હજારોની સંખ્યામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે, શહેરનો 50 ટકાથી વધુ વિસ્તાર હજુ પણ પાણીમાં ડૂબેલો છે. વડોદરામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
ભારે પવન સાથે સતત વરસાદ વરસતા વડોદરાને ભારે નુકસાન થયું છે. સતત વરસાદના કારણે આજવા સરોવરની જળ સપાટીમાં કોઈ ઘટાડો નથી થઇ રહ્યો. વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ઘટ્યું પરંતુ ખતરો યથાવત છે. વડોદરમાં ભારે વરસાદના કારણે ઓટોમોબાઈલ્સના અનેક શોરૂમમાં પાણી ગરકાવ થઇ જતાં વાહનોને પણ નુકસાન થયું છે. પાર્કિગમાં પણ કેડ સમા પાણી ભરાઇ જતાં વાહનોને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે આર્મીની ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જામનગરમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 13ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે.
રાજ્યમાં 806 રસ્તાઓ બંધ
ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.