(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં નજીવી બાબતે યુવતીની હત્યા, પાંચ મહિલાઓએ મળી યુવતીને રહેંસી નાંખી
Murder in Vadodara : ચોંકાવનારી વાત એ છે કે પાંચ મહિલાઓએ મળીને યુવતીની હત્યા કરી એવો મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
Vadodara : વડોદરાની મીરા સોલંકીની હત્યાની ઘટના હજી તાજી છે ત્યાં જ વધુ એક યુવતીની હત્યાની ઘટના ઘટી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નજીવી બાબતે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે પાંચ મહિલાઓએ મળીને યુવતીની હત્યા કરી એવો મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે 22 એપ્રિલે સાંજે મીનાજબાનું મણિયાર નામની યુવતીની હત્યા થઇ છે. કારેલીબાગ પોલીસ મથક પાસે આવેલ મહિલા પોલીસ સામેના જ ફળિયામાં આ યુવતીની હત્યા કરવામાં આવી છે.
હત્યાના કારણ અંગે કહેવામાં આવી રહ્યું છે કે સાવ નજીવી બાબતે યુવતીની હત્યા થઇ છે. આ યુવતી અને સામેના પરિવાર એમ એક જ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો. પાડોશી પર પાણી પડતા મીનાજબાનું પર હત્યા કરનાર પરિવારજનો તૂટી પડ્યા હતા. 5 થી 6 મહિલાઓએ ચપ્પુ ના ઘા ઝીંકી મિનાજની હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઘટનામાં હત્યારાઓ હત્યા કરીને ફરાર થઇ ગયા છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને SSG સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમમોર્ટમ માટે ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ
તાપી જિલ્લામાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે પાદરી સહિત પાંચ આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દૂ પરિવારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી. જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.જે મુજબ પોલીસે પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.