Gujarat Rain: વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા ઢાઢર નદી ભયજનક બની,385 લોકોનું સ્થળાંતર
Gujarat Rain: વડોદરામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા તેની ભયજનક સપાટીને કારણે ઢાઢર નદી પણ ભયજનક બની છે.

Gujarat Rain: વડોદરામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા તેની ભયજનક સપાટીને કારણે ઢાઢર નદી પણ ભયજનક બની છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા ઢાઢર નદી પોતાની ભયજનક સપાટી ૩૫.૨૫ ફૂટે વહી રહી છે. આ પાણી પાદરા, સાવલી અને ડેસર તાલુકાનાં ગામોમાં પ્રવેશતા તંત્ર દ્વારા ૩૮૫ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ લોકોનું સમસપુરા, મસ્તુપુરા ગામડી અને કંડકુઈ જેવા અસરગ્રસ્ત ગામોમાંથી સ્થળાંતર કરીને શાળા અને કારખાનાઓમાં આશરો આપવામાં આવ્યો છે. આ ઘટનામાં એક કાચું અને બે પાકા મકાનોને પણ નુકસાન થયું છે.
જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર, વડોદરા તાલુકાના શાહપુરા ગામના ૫૭ વર્ષીય ધુવાભાઈ વિઠ્ઠલભાઈ તડવી નદીના પ્રવાહમાં તણાઈ જતાં SDRF દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું હોવાથી શનિવારે ૨,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય, પાદરા, સાવલી અને ડેસર તાલુકાના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
વાઘોડિયા બ્રિજ પર ટ્રક ફસાઈ, ટ્રાફિક જામ
વરસાદને કારણે નેશનલ હાઇવે પર વાઘોડિયા બ્રિજ પાસે રોડ પર મોટા ખાડા પડી ગયા હતા, જેમાં એક ટ્રક ફસાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાને કારણે પાંચ કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકો પરેશાન થયા હતા. ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે અને હાલ હાઇવે પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રક ચાલક શોએબ પઠાણે જણાવ્યું કે ટ્રકનાં બે ટાયર ફાટી ગયાં છે.
અમદાવાદમાં વ્હાઈટ સિગ્નલ જાહેર
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. હાલમાં વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સંત સરોવર માંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા આ નિર્ણય લેવાયો
આજે સવારે ૬:૩૦ કલાકે ધરોઈ ડેમમાંથી ૯૪,૪૩૨ ક્યુસેક પાણીનો જથ્થો અને સંત સરોવરમાંથી ૬૮,૫૮૫ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમનું પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે ૧૧ થી ૧૨ કલાક અને સંત સરોવરનું પાણી ૧ કલાક જેટલો સમય લે છે.
હાલમાં વાસણા બેરેજમાંથી ૩૨,૪૧૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બેરેજના ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી, સાબરમતી નદીના કાંઠાના ગામોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક તંત્ર પણ આ પરિસ્થિતિને લઈને હરકતમાં આવ્યું છે.





















