Los Angeles: પૂર ઝડપે આવી રહેલી મર્સિડીઝ બેન્ઝે છ કારને મારી ટક્કર, એક બાળક, ગર્ભવતી મહિલા સહિત છનાં મોત, જુઓ અકસ્માતના CCTV
અમેરિકાના લોસ એન્જલસમાં એક ભયાનક કાર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જેમાં એક ગર્ભવતી મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં એક ભયાનક કાર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જેમાં એક ગર્ભવતી મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક પૂરઝડપે આવી રહેલી કાર અન્ય કારો સાથે ટકરાઇ હતી જેના કારણે છ કારમાં આગ લાગી ગઇ હતી.
આરએમજી ન્યૂઝના અહેવાલ અનુસાર એક મર્સિડીઝ બેન્ઝ કાર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને કાર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ છ કારમાં આગ લાગી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા.
કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલિંગ કરતા એક અધિકારીએ કહ્યું કે ટક્કરના સમયે મર્સિડીઝ કારની સ્પીડ વધારે હતી. સીએચપીના અહેવાલ અનુસાર છ મૃતકોમાં ત્રણ વયસ્ક, એક બાળક અને એક ગર્ભવતી મહિલા સામેલ છે. આ ઘટનામાં નવ જણા ઘાયલ થયા હતા જેમાંથી આઠને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલોમાં છ બાળકો અને કિશોરો છે. અકસ્માત સર્જનાર કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.