Canada : કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓએ મળશે જીવનદાન? PM ટ્રુડોએ આપ્યા સંકેત
વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.
Indian Students : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં દેશનિકાલના ભયના ઓથાર હેઠળ છે. એજ્યુકેશન વિઝા પર કેનેડા પહોંચેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી કે જ્યારે, આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી હતી. હવે આ મામલે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.
વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે. સરકારનું સમગ્ર ધ્યાન આ કેસમાં દોષિતોને શોધીને તેમને સજા આપવા પર છે.
ટ્રુડોએ કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નકલી કોલેજ લેટર્સને કારણે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરી દઉં કે અમારું સમગ્ર ધ્યાન આ મામલામાં દોષિતોને ઓળખવા પર છે અને વિદ્યાર્થીઓને સજા આપવા પર નથી. છેતરપિંડીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની તરફેણમાં પુરાવા દર્શાવવાની અને રજૂ કરવાની તક હોય છે. અમે માનીએ છીએ કે અમારા દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘણું યોગદાન આપે છે અને અમે આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને સમર્થન આપીશું.
કેનેડામાં વિદ્યાર્થીઓનો વિરોધ
કેનેડા પહોંચ્યા બાદ છેતરપિંડીનો અહેસાસ થતા વિદ્યાર્થીઓ દેશનિકાલના આ નિર્ણય સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઈમિગ્રેશન કાઉન્સેલિંગ એજન્સીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ વિદ્યાર્થીઓને નકલી ઓફર લેટર્સના કારણે પ્રવેશ નકારવામાં આવ્યો હતો અને કેનેડાની સરકારે તેમને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.
શા માટે વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવે છે?
કેનેડા પહોંચેલા લગભગ 700 વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો માર્ચ મહિનામાં પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી હતી. સરકારે નકલી ઓફર લેટર્સ સાથે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો છે.
વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?
આ મામલે પંજાબના NRI મામલાના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે દરમિયાનગીરીની માંગ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ સારા ઇરાદા સાથે કામ કરે છે તેમને સજા કરવી અયોગ્ય છે. જે ખરેખર દોષિત છે તેને આ મામલે જવાબદાર ઠેરવવો જોઈએ. કેનેડાની સરકાર પણ સ્વીકારે છે કે જો વિદ્યાર્થીએ કોઈ ખોટું કર્યું ન હોય તો આ પગલું અન્યાયી હશે. જો કોઈ વિદ્યાર્થીએ કોઈ ભૂલ ન કરી હોય તો તેણે તેનો ઉકેલ શોધવો પડશે. હું અપેક્ષા રાખું છું કે કેનેડિયન સિસ્ટમ આ બાબતે ન્યાયી રહેશે.