cyclone mocha: બાંગ્લાદેશ-મ્યાનમારના તટ પર ટકરાયું ચક્રવાત ‘મોકા’, 195 કિમીની ઝડપે પવન ફૂંકાયો
ચક્રવાત મોકા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચ્યું છે. મ્યાનમારના કેટલાક વિસ્તારોમાં 195 કિલોમિટર પ્રતિ ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદ વરસ્યો છે.
Cyclone Mocha : ચક્રવાત મોકા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચ્યું છે. મ્યાનમારના કેટલાક વિસ્તારોમાં 195 કિલોમિટર પ્રતિ ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદ વરસ્યો છે. ચક્રવાતને કારણે પૂર કે ભૂસ્ખલન થયું તો બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પરના રોહિંગ્યા શરણાર્થી શિબિર નષ્ટ થઈ શકે છે. પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. વાવાઝોડું ત્રાટક્યા બાદ મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે.
ચક્રવાત ‘મોકા’ (Cyclone Mocha) મ્યાનમાર અને બાંગ્લાદેશના તટ પર ટકરાયું છે. 195 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં ચક્રવાત ટકરાવાના કારણે બાંગ્લાદેશ અને મ્યામારમાં તબાહી મચી છે. ભારે પવનના કારણે મ્યાનમારના સિત્વેમાં ટાવર ધરાશાયી થયું છે.
ચક્રવાતના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં 8થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. બાંગ્લાદેશના કાંઠા વિસ્તારથી 4 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. બન્ને દેશમાં ચક્રવાતથી લોકોને બચાવવા 4 હજારથી વધુ રાહત કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશના ચટગાંવ અને બારિસલના દરિયાકાંઠે ચક્રવાતની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળ તંત્રેએ NDRFની ટીમોને તૈનાત કરી દીધી છે. કેટલાક કાંઠા વિસ્તારોથી લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. NDRFના 200થી વધુ રેસ્ક્યુઅર્સ માઈકથી સતત લોકોને ચેતવી રહ્યા છે. ચક્રવાતની અસરને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. બન્ને દેશની સાથે પશ્ચિમ બંગાળ તંત્રએ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે.
ચક્રવાતી તોફાન મોકાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા છે. બાંગ્લાદેશના મીડિયાના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન વધુ ખતરનાક બનતા બાંગ્લાદેશનો એક ટાપુ પાણીમાં ડૂબી જશે. જો કે, આ કામચલાઉ હશે અને થોડા સમય પછી ટાપુ પરથી પાણી ઓસરી જશે. બાંગ્લાદેશી હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનું કેન્દ્ર મ્યાનમાર છે, જેની અસર બાંગ્લાદેશના કોક્સ બજારને પણ થશે. બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
મોકા વાવાઝોડાને કારણે બાંગ્લાદેશની મધ્ય-પૂર્વ ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. પવનની ઝડપ 210 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ચટ્ટોગ્રામ, ફેની, નોઆખલી, લક્ષ્મીપુર, ચાંદપુર, બરીશાલ, પુતુઆખલી, ઝાલકાઠી અને ભોલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.