પાકિસ્તાન PM ઈમરાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો તો ઈમરાન ટામેટા-બટાકાના ભાવ પર બોલ્યા, જાણો શું કહ્યું
પાકિસ્તાનમાં હાલ મોંધવારી વધી છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં હાલ મોંધવારી વધી છે. જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવી પણ પાકિસ્તાનની જનતા માટે મુશ્કેલી ભર્યું કામ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી ઈમરાન સામે આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ પાકિસ્તાનના અર્થતંત્રને સારી રીતે નથી ચલાવી રહ્યા.
આ અવિશ્વાસ પ્રસ્તાવ સામે વિપક્ષી પાર્ટીઓને જવાબ આપતાં ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. ઈમરાને કહ્યું કે, "હું ટામેટા અને બટાકાના ભાવ જાણવા માટે રાજનીતિમાં નથી આવ્યો. હું દેશના યુવાનોના હિત માટે રાજનીતિમાં આવ્યો છું." ઈમરાન ખાને વધુમાં જણાવ્યું કે, "25 વર્ષ પહેલાં મારી પાસે એ બધું હતું જેનાં સપનાં દરેક માણસ જોતો હોય છે. જો આપણે એક મહાન રાષ્ટ્ર બનવુ હશે તો આપણે સત્યનું સમર્થન કરવું પડશે અને આ વાત હું છેલ્લા 25 વર્ષથી કહી રહ્યો છું."
કન્ઝુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ(CPI) દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી દર મુજબ પાકિસ્તાનમાં મોંધવારીનો દર છેલ્લા 24 મહિનામાં સૌથી વધુ છે. જાન્યુઆરી મહિનામાં મોંધવારી દર 13 ટકા નોંધાયો હતો. પાકિસ્તાનમાં હાલ લગભગ બધી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ પહેલાં વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં મોંધવારી 14.6 ટકા પર પહોંચી ગઈ હતી.
ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થયાના એક દિવસ બાદ જ ઈમરાન ખાને આ નિવેદન આપ્યું હતું. ગઈકાલે રવિવારે પંજાબ પ્રાંતના હફિઝાબાદમાં એક સભામાં સંબોધન કરતી વખતે ઈમરાન ખાને નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પૈસાનો ઉપયોગ કરીને મારી સરકારને હટાવવા માંગતા તત્વો સામે દેશના લોકોએ ઉભા થવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારી સરકારે જાહેર કરેલા રાહત પેકેજની અસર આવનારા સમયમાં સકારાત્મક રીતે થશે જેના પરીણામ ટૂંક સમયમાં જ આવશે.