ભારતના ઘઉંની માંગ વધીઃ તુર્કીએ પાછા મોકલેલા ભારતના ઘઉં આ દેશે ખરીદ્યા અને પ્રસંશા પણ કરી....
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત ખાદ્ય પાકોનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરી રહ્યું છે. ભારતમાં ઉગતું અનાજ, ફળો, શાકભાજી, અને બીજા ખાદ્ય પદાર્થોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
Healthy Wheat Cultivation: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત ખાદ્ય પાકોનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરી રહ્યું છે. ભારતમાં ઉગતું અનાજ, ફળો, શાકભાજી, અને બીજા ખાદ્ય પદાર્થોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પણ ભારતના ઘઉંની માંગમાં ઘણો વધારો થયો છે. ત્યારે થોડા દિવસો પહેલાં જ ભારતે તૂર્કીમાં નિકાસ કરેલા 55 હજાર ટન ઘઉંને તૂર્કીએ ખરીદવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ઘઉંમાં રુબેલા વાયરસ છે.
ઈજીપ્તે ઘઉંની પ્રસંશા કરીઃ
ત્યારે હવે તુર્કીએ જે ઘઉંનો જથ્થો ના ખરીદ્યો તે હવે ઈજીપ્તે ખરીદ્યો છે. ઈજીપ્તે ભારતીય ઘઉં ખરીદ્યા બાદ ઘઉંની ક્વોલીટીની ચકાસણી પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે ભારતના ઘઉંની થયેલી ચકાસણીમાં સામે આવ્યું કે ઘઉં ક્વોલીટી ઘણી સારી છે. ત્યારબાદ ઈજીપ્તે ભારતના ઘઉંની ગુણવત્તાની પ્રસંશા પણ કરી છે.
ભારતને મળ્યું નવું વિદેશી બજારઃ
ઈજીપ્ત દ્વારા ભારતના ઘઉંની આયાતની મંજૂરી મળ્યા બાદ હવે ભારતને નવું વિદેશી બજાર મળી ગયું છે. ઈજીપ્ત એક આફ્રિકી દેશ છે જ્યાં ભારતે અત્યાર સુધી ઘઉંની નિકાસ નથી કરી. આંતરરાષ્ટ્રીય માપદંડો પર ખરા ઉતર્યા બાદ ઈજીપ્ત દેશ ભારત પાસેથી ઘઉંની ખરીદી કરવા માટે આશ્વસ્ત છે. ભારતીય ઘઉંની ખરીદી કરતાં પહેલાં ઈજીપ્તના અધિકારીઓની એક ટીમ ભારતમાં હતી અને તેમણે ઘઉંની ખરીદી માટે તેની ગુણવત્તાની ચકાસણી પણ કરી હતી. પરીણામથી સંતોષ થયા બાદ ઈજીપ્તે ઘઉંની આયાત કરવા માટે મંજૂરી આપી હતી અને સાથે જ ભારતના ઘઉંની ગુણવત્તાની પ્રસંશા પણ કરી હતી.
ભારતના ઘઉંનો ભાવ ઓછોઃ
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં યુરોપીય સંઘ ઘઉંની નિકાસ 43 રુપિયા પ્રતિ કિલોના ભાવથી કરે છે જ્યારે ભારતના ઘઉંની કિંમત માત્ર 26 રુપિયા પ્રતિ કિલો છે. આટલા સસ્તા ભાવમાં સારી ગુણવત્તાના ઘઉં ભારત પાસેથી જ મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ઘઉંની માંગમાં વધારો જોવા મળ્યો છે.