G-20 Summit : કેનેડાના PM ટ્રુડો પર બરાબરના ભડક્યા જિનપિંગ, જાહેરમાં થઈ ગરમાગરમી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવાર (15 નવેમ્બર) ના રોજ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને તેમના અધિકારીઓને કહ્યુ હતું કે, તેમણે કેનેડાની ચૂંટણીમાં ચીની દખલગીરીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
G-20 Summit : G-20 શિખર સમ્મેલનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગરમાગરમી થઈ હતી. બંને વચ્ચે 15મી નવેમ્બરે યોજાયેલી મુલાકાત દરમિયાન થયેલી વાતચીત મીડિયામાં આવવાને લઈને જિનપિંગ રાતાપીળા થઈ ગયા હતાં. G-20 સત્ર દરમિયાન બંને સામ સામે મળતા જ શી જિનપિંગે ટ્રુડો સમક્ષ પોતાની નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું કે, આ કંઈ વાત કરવાની રીત નથી કે તબાબ બાબતો મીડિયાને જાહેર કરી દેવામાં આવે.
જિનપિંગની નારાજગીને લઈને જવાબ આપતા ટ્રુડોએ કહ્યું હતું કે, અમે ફ્રેંક અને કૈંડિડ અંદાજમાં ચીન સાથે વાતચીત કરવા માંગીએ છીએ. આ જવાબ સાંભળતા જ જિનપિંગે કહ્યું હતું કે, પહેલા તમે વાત કરવા લાયક વાતાવરણ ઉભુ કરો. કેનેડાના માધ્યમો પ્રમાણે 15 નવેમ્બરે યોજાયેલી મુલાકાતમાં ટ્રુડોએ જિનપિંગને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ચીનની કેનેડાની રાજનીતિમાં દલખગીરીનો આરોપ ગંભીર છે અને આ અયોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં 2019ની ચૂંટણીમાં ચીનની દખલગીરીના આરોપ લાગ્યા હતાં. G-20માં બંને નેતાઓ વચ્ચે 3 વર્ષ બાદ થયેલી આ પહેલી મુલાકાત હતી.
કેનેડા સ્વતંત્ર અને વાતચીતમાં વિશ્વાસ ધરાવે છે
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ શી જિનપિંગની વાતચીતનો શાંતિપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે, કેનેડામાં અમે સ્વતંત્ર અને ખુલી તેમજ સ્પષ્ટ વાતચીતમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે તેને યથાવત રાખીશું. અમે રચનાત્મક રૂપે એક સાથ કામ કરવાનું યથાવત રાખીશું પણ કેટલીક એવી બાબતો પણ હશે જેને લઈને અમે અસહમત પણ હોઈશું.
ટ્રુડોની આ પ્રતિક્રિયા બાદ બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતાં અને બંને જુદા થયા હતાં. શી જિનપિંગના ચહેરા પર સ્મિત જરૂર હતું પણ તેમનો વ્યવહાર નિરાશાજનક રહ્યો હતો અને શીએ કહ્યું હતું કે, આ સારી વાત છે પણ પહેલા પરિસ્થિતિઓનું નિર્માણ કરો. ટ્રુડો અને જિનપિંગ વચ્ચેની આ સમગ્ર વાતચીત કાર્યક્રમ સ્થળે હાજર એક કેમેરા ક્રુ દ્વારા રેકોર્ડ કરી લેવામાં આવી હતી.
ચૂંટણીમાં ચીની દખલગીરી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવાર (15 નવેમ્બર) ના રોજ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને તેમના અધિકારીઓને કહ્યુ હતું કે, તેમણે કેનેડાની ચૂંટણીમાં ચીની દખલગીરીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રુડોએ પોતાની 10 મીનીટની વાતચીતમાં યૂક્રેન, ઉત્તર કોરિયામાં યુદ્ધ અને જળવાયુ પરિવર્તનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં શી માટે ટ્રુડો સાથે વાતચીત એ એકમાત્ર મુશ્કેલી નહોતી. પણ બ્રિટનના ગાર્ડિયન સમાચાર પત્રના જણાવ્યા અનુંસાર તેમના અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચે યોજાનારી બેઠક પણ સમયના અભાવના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી.