પાકિસ્તાનમાં સત્તાપલટાનું કાઉન્ટડાઉન શરૂ! ...તો ઈમરાન ખાનની ખુરશી જશે તે નક્કી
સૂત્રોના ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા રાજીનામું આપી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આર્મી ચીફે ઈમરાન ખાનને OIC કોન્ફરન્સ બાદ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે.
પાકિસ્તાનમાં બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા રાજીનામું આપી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઈમરાન ખાનને OIC કોન્ફરન્સ બાદ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. ઈમરાન માટે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જ્યારથી 24 સાંસદોએ ઈમરાન ખાન સરકાર સામ બળવો કર્યો છે ત્યારથી તેમની ખુરશી ખતરામાં આવી ગઈ છે.
એટલું જ નહીં ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી દળોએ પણ મોરચો ખોલ્યો છે. વિપક્ષી દળો અવિશ્વાસની દરખાસ્ત પર વહેલા મતદાનની માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઈમરાન 28મી માર્ચે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરે છે કે પછી વચ્ચેનો માર્ગ અપનાવીને રાજીનામું આપીને બીજા કોઈને વડાપ્રધાન બનાવે છે. પાકિસ્તાનમાં સત્તાના આંકડાઓ પર નજર કરીએ તો પહેલા ઈમરાનને 176 સાંસદોનું સમર્થન હતું, પરંતુ 24 સાંસદોએ બળવો પોકારતા હવે માત્ર 152 સાંસદો ઈમરાન સરકારની સાથે ઉભા છે. એટલે કે 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન બહુમતના 172ના આંકડાથી ઘણા પાછળ છે.
અહેવાલો અનુસાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની કોન્ફરન્સ પૂરી થયા બાદ ઈમરાનને પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી છોડવા માટે કહેવામાં આવ્યું છે. બે દિવસીય OIC સંમેલન આજથી શરૂ થયું છે અને બુધવારે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે શું શુક્રવારે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થાય તે પહેલા જ ઈમરાન ખાનને ખુરશી પદ પરથી દૂર કરવામાં આવશે? તમને જણાવી દઈએ કે એ વાત કોઈથી છુપાયેલી નથી કે પાકિસ્તાનની ગાદી પર કોઈ વ્યક્તિ ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તેની સેના ઈચ્છે.
સેનાએ લઈ લીધો છે નિર્ણય
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જનરલ બાજવા અને સેનાના ત્રણ વરિષ્ઠ લેફ્ટનન્ટ જનરલોની બેઠકમાં ઈમરાનના રાજકીય ભાવિ પર નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. બધાએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ઈમરાનને વધુ સમય આપવો યોગ્ય નથી. એવું પણ કહેવાય છે કે પૂર્વ આર્મી ચીફ રાહિલ શરીફ ઈમરાનના બચાવ માટે જનરલ બાજવાને મળ્યા હતા, પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લોબિંગની અસર થઈ નથી.