ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું બંને દેશો વચ્ચે રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર, પરંતુ પાકિસ્તાનની સાર્વભૌમત્વના રક્ષણમાં સમર્થન ચાલુ રાખશે.

India Pakistan ceasefire 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અને યુદ્ધવિરામની જાહેરાત બાદ ચીનનું વલણ દ્વિધાભર્યું અને "બેવડા ખેલ" સમાન જોવા મળી રહ્યું છે. એક તરફ ચીન ભારપૂર્વક શાંતિ અને યુદ્ધવિરામને સમર્થન આપવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ તે ખુલ્લેઆમ તેના જૂના સાથી પાકિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બંને દેશો વચ્ચેના કરારને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે ચીન બંને દેશો વચ્ચે રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે. જોકે, ચીનનો આ સૂર તેના અગાઉના નિવેદનોથી અલગ પડતો નથી, જેમાં તેણે ખુલ્લેઆમ પાકિસ્તાનના "સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા" જાળવી રાખવામાં તેની સાથે ઊભા રહેવાની વાત કરી હતી.
સમાચાર એજન્સી એપીપી અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે, ચીન ભારત અને પાકિસ્તાન બંનેનો પાડોશી છે, તેથી પ્રદેશમાં વધતા તણાવ અંગે તેમની ચિંતા સ્વાભાવિક છે. તેમણે પાકિસ્તાનમાં તાજેતરના સંઘર્ષ દરમિયાન નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને ભાર મૂક્યો કે બંને પક્ષોએ શાંતિ નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ.
'યુદ્ધવિરામ ફક્ત શરૂઆત છે': ચીનનો દ્વિ-મુખી સંદેશ
વાંગ યીએ એ પણ ભાર મૂક્યો કે, "યુદ્ધવિરામ માત્ર એક શરૂઆત છે - તેને સંયુક્ત રીતે જાળવી રાખવાની જવાબદારી બંને દેશોની છે. જો આ સંઘર્ષ ફરીથી ભડકે છે, તો તે ફક્ત બંને દેશોને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રની સ્થિરતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશે."
ચીનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે બેઇજિંગ "રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને ગૌરવના રક્ષણ"માં પાકિસ્તાનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ નિવેદન ચીનના બેવડા વલણને સ્પષ્ટ કરે છે – એક તરફ શાંતિની વાત કરવી અને બીજી તરફ પાકિસ્તાનને રાજદ્વારી ટેકો ચાલુ રાખવો. જોકે, તેમણે એમ પણ કહ્યું કે લાંબા ગાળાના ઉકેલ ફક્ત વાતચીત અને શાંતિપૂર્ણ પ્રયાસો દ્વારા જ શક્ય છે.
વાંગ યીએ સ્પષ્ટ કર્યું કે કાયમી યુદ્ધવિરામ માત્ર ભારત અને પાકિસ્તાન બંનેના હિતમાં નથી, પરંતુ દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ એશિયન ઉપખંડમાં કાયમી શાંતિ જાળવવા માટે ઉત્સુક છે, અને ચીન આ દિશામાં રચનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તેવું તેણે જણાવ્યું છે. આમ, ચીન દક્ષિણ એશિયામાં પોતાની ભૂમિકાને જટિલ અને વ્યૂહાત્મક રીતે નિભાવી રહ્યું છે.





















