Rahul : રાહુલનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, RSSની મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી સરખામણી
રાહુલે કહ્યું હતું કે, સંઘ પહેલા લોકતાંત્રિક વ્યવસ્થાની વાત કરીને સત્તામાં આવે છે અને પછી તેને બરબાદ કરવાનું શરૂ કરે છે.
Rahul Gandhi in UK Visit : બ્રિટનના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા મોદી સરકાર અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આકરી ટીકા કરી વિવાદ સરજ્યો છે. રાહુલ ગાંધીએ RSSની સરખામણી ઈજિપ્તના ઉગ્રવાદી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. રાહુલે કહ્યું હતું કે, સંઘની સ્થાપના સિક્રેટ સોસાયટી હેઠળ એવી જ રીતે કરવામાં આવી છે જે રીતે ઈજિપ્તમાં ભાઈચારાની સ્થાપના થઈ હતી. RSSને લઈ આ પ્રકારના નિવેદન બદલ ભાજપે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી છે.
રાહુલે કહ્યું હતું કે, સંઘ પહેલા લોકતાંત્રિક વ્યવસ્થાની વાત કરીને સત્તામાં આવે છે અને પછી તેને બરબાદ કરવાનું શરૂ કરે છે. સંઘની વિચારધારાને કારણે ભારતમાં દલિતો અને આદિવાસીઓ સાથે ભેદભાવ થાય છે. રાહુલના નિવેદન પર હંગામો શરૂ થયો છે અને વિશ્વ હિન્દુ પરિષદે સવાલ ઉઠાવ્યા છે.
આ મામલે VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતાના સ્વાર્થ માટે દેશના ભાગલા પાડવા માંગે છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું વર્તન ટૂલકીટ મેમ્બર જેવું છે. સંઘ વિશે બોલતા જૈને કહ્યું હતું કે, સંગઠનની દેશભક્તિ પર સવાલ ઉઠાવી શકાય નહીં. મુસ્લિમ બ્રધરહુડ સાથે સરખામણી ખોટી છે.
રાહુલ ગાંધીએ સંઘ વિશે શું કહ્યું?
લંડનમાં થિંક ટેંક ચથમ હાઉસમાં વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, લોકતાંત્રિક સ્પર્ધાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ છે. સંઘ એક કટ્ટરવાદી અને ફાસીવાદી સંગઠન છે, જેણે ભારતની તમામ સંસ્થાઓને કબજે કરી લીધી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આરએસએસ ઇજિપ્તના મુસ્લિમ બ્રધરહુડનું મોડેલ છે. આ લોકો ભારતમાં એક નેરેટિવ ચલાવી રહ્યા છે કે ભાજપને કોઈ હરાવી શકે નહીં. હું કહેવા માંગુ છું કે ભાજપ કાયમ સત્તામાં રહેવાનું નથી. રાહુલે કહ્યું હતું ક, ભારતમાં પ્રેસ, ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા જ જોખમમાં છે.
આ પહેલીવાર નથી જ્યારે રાહુલે આરએસએસની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હોય. 2018માં પણ રાહુલ ગાંધીએ સંઘની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. તે સમયે સંઘના પ્રચારક અરુણ કુમારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધીને અમારા સંગઠન વિશે કોઈ જાણકારી જ નથી.
રાહુલ શા માટે સંઘ પર વારંવાર પ્રહારો કરી રહ્યા છે?
ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધી સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રહારો કરી રહ્યા છે. હરિયાણામાં તેમણે સંઘને 'નવી સદીના કૌરવ' ગણાવ્યા. હવે ફરી તેમણે સંઘ પર નિશાન સાધ્યું છે. રાહુલે ભૂતકાળમાં સંઘ પર બંધારણીય સંસ્થાઓને હડપ કરવાનો આરોપ લગાવ્યો છે.
તો સવાલ એ થાય છે કે, રાહુલ ગાંધી ભાજપ કરતાં સંઘ પર વધુ આકરા પાણીએ કેમ છે? રાહુલ ગાંધીએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, આ સરકાર બચાવવા અને હટાવવાની લડાઈ નથી. આ વિચારધારાની લડાઈ છે. ભાજપની વિચારધારા નક્કી કરવાનું કામ જનસંઘના સમયથી સંઘે કર્યું છે.
સંઘ પ્રચારકોને બીજેપીમાં નંબર ટુ (સંગઠન મહાસચિવ) બનાવવામાં આવે છે. અત્યાર સુધી ભાજપના મોટાભાગના પ્રમુખોની પૃષ્ઠભૂમિ પણ સંઘની રહી છે. આ સ્થિતિમાં વિચારધારાના મામલે રાહુલ ગાંધી ભાજપને બદલે સંઘ પર નિશાન સાધે છે.
મુસ્લિમ બ્રધરહુડ શું છે?
1928માં સુન્ની નેતા હસન અલ-બન્નાએ ઇજિપ્તમાં ઇસ્લામિક દેશ બનાવવાની માંગ સાથે મુસ્લિમ બ્રધરહુડની સ્થાપના કરી હતી. બન્ના ઇજિપ્તની એક શાળામાં શિક્ષક અને ઇમામ હતા. તે સમયે બન્નાએ રાજાશાહીની સામે રાજ્ય, અર્થતંત્ર અને સમાજના ઇસ્લામીકરણની માંગ મૂકી જે ઠુકરાવી દેવામાં આવી. તે સમયે ઇજિપ્તમાં પશ્ચિમી દેશોનો પ્રભાવ પૂરજોશમાં હતો.
સરકાર દ્વારા માંગ નકારી કાઢવામાં આવ્યા બાદ હિઝબ અલ-ઇખ્વાન અલ-મુસ્લિમીનની મદદથી ઇજિપ્તમાં એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં કહ્યું હતું કે, કુરાન અમારો કાયદો છે અને જેહાદ માર્ગ છે. અલ્લાહ માટે મરવું એ આપણા બધાના જીવનનું લક્ષ્ય છે. બન્નાનો આ સંદેશ આખા ઈજિપ્તમાં ઝડપથી ફેલાવ્યો.
1940માં આ સંગઠનમાં 5 લાખ લોકો જોડાયા હતા. ત્યારબાદ ત્યાં સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઇઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન મુસ્લિમ બ્રધરહુડે પેલેસ્ટાઇનને સમર્થન જાહેર કર્યું અને તત્કાલીન ઇજિપ્તની સરકારને યહૂદીઓની ચાહક ગણાવી. બ્રધરહુડ અહીં જ ન અટક્યું તેણે ઇજિપ્તમાં આંતરિક યુદ્ધ શરૂ કર્યું. ત્યાર બાદ સરકાર એક્શન મોડમાં આવી. ઘણા કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી હતી. હજારો કાર્યકર્તાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.