Robbery : હેં!!! હોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે એવી ચોરી, સોનું ભરેલું આખુ કન્ટેનર જ ગાયબ
અહીં સોનાથી ભરેલું એક મોટું કન્ટેનર ગુમ થયું હતું. આ કન્ટેનરમાં 1 અબજ 23 કરોડ રૂપિયાથી વધુનું સોનું હતું.
World Biggest Gold Robbery : ચોરીની તો અનેક ઘટનાઓ થતી રહે છે પરંતુ તાજેતરમાં એક એવી ચોરી સામે આવી છે જે કોઈને માન્યામાં જ ના આવે તે પ્રકારની છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સોનાથી ભરેલું એક મોટું કન્ટેનર ગુમ થયું હતું. આ કન્ટેનરમાં 1 અબજ 23 કરોડ રૂપિયાથી વધુનું સોનું હતું. આ મામલાને લઈને એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, સોનું કાર્ગોમાં આવ્યું હતું. પરંતુ તે ટર્મિનલમાંથી જ ગાયબ થઈ ગયું હતું, જેનો ખુલાસો અનલોડિંગ સમયે થયો હતો.
'ડેઇલી મેઇલ'ના અહેવાલ મુજબ, ઘટના કેનેડાના ટોરોન્ટો પીયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટની છે. આ અંગે ઈન્સ્પેક્ટર સ્ટીફન ડ્યુવેસ્ટીને જણાવ્યું હતું કે, 17 એપ્રિલે પીયર્સન એરપોર્ટ પર સોનાથી ભરેલું એક કન્ટેનર આવ્યું હતું. પરંતુ જ્યારે તેને ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે સોનું ગાયબ હતું.
ઇન્સ્પેક્ટર સ્ટીફને કહ્યું હતું કે, કન્ટેનર એરપોર્ટ પર પહોંચ્યું ત્યાં સુધી તે જોવા મળી રહ્યું હતું. પરંતુ જ્યારે પ્લેન અનલોડ કરવામાં આવ્યું ત્યારે અચાનક તેના ગુમ થયાના સમાચાર આવ્યા. ક્યારે અને કોણે તેને ગાયબ કર્યું તે જાણી શકાયું નથી. હાલ તપાસ ચાલી રહી છે. જોકે સ્ટીફને આ સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું તેને લઈને કંઈ જ કહ્યું નહોતું .
'ટોરોન્ટો સન'એ અહેવાલ આપ્યો છે કે, સોનું ઉત્તરી ઓન્ટારિયોની એક ખાણમાંથી બેંકો માટે ટોરોન્ટોમાં મોકલવામાં આવ્યું હોઈ શકે છે. આ ચોરી પાછળ સંગઠિત ગુનેગાર ટોળકીનો હાથ હોઈ શકે છે. ચોરીની આવી ઘટના પહેલા ક્યારેય જોવા મળી નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાને મુસાફરોની સુરક્ષા સાથે જોડીને ના જોવા કહેવામાં આવ્યું છે.
જ્યારે બ્રાઝિલમાં સોનાની માન્યામાં ના આવે તેવી ચોરી થઈ હતી
ચોરીની આવી જ એક ઘટના 2019માં બ્રાઝિલમાંથી સામે આવી હતી. ત્યારે આઠ સશસ્ત્ર બદમાશોએ પોલીસ અધિકારીઓના વેશમાં સાઓ પાઉલો શહેરના ગુરૂલહોસ એરપોર્ટમાં પ્રવેશ કર્યો હતો અને આશરે રૂ. 2 અબજની કિંમતનું સોનું લૂંટીને ભાગી ગયા હતાં. આ સોનું અમેરિકાના ન્યૂયોર્ક અને સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ મોકલવાનું હતું.
માત્ર 3 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બદમાશો બે નકલી પોલીસ વાનમાં સવાર થઈને આવ્યા હતા. તેઓએ એરપોર્ટ ગાર્ડને બંધક બનાવીને સોનાની ચોરી કરી હતી અને એ પણ કોઈ જ ગોળી ચલાવ્યા વગર.