(Source: ECI/ABP News/ABP Majha)
Russia : રશિયા દુનિયા આખીને ભુખી મારશે! ભારત પર પણ તોળાતુ સંકટ
રશિયાએ બ્લેક સી દ્વારા યુક્રેનના ઘઉં અને અન્ય અનાજ ભરેલા જહાજોને સલામત માર્ગ આપવાના કરારથી પોતાને અલગ કરી લીધા હતા.
Russia-Ukraine Grain Deal : બ્લેક સીમાં રશિયાની જાહેરાતથી દુનિયા ફરી એકવાર સ્તબ્ધ છે. રશિયા યુક્રેન સાથેના અનાજના સોદામાંથી ખસી રહ્યું છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિનની સરકારે ધમકી આપી છે કે, તે બ્લેક સીમાં યુક્રેનના બંદર તરફ જતા જહાજોને લશ્કરી જહાજો તરીકે જ જોશે. રશિયાની આ જાહેરાત બાદ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ઘઉંના ભાવ વધવા લાગ્યા છે. સાથે જ દુનિયામાં ખાધ્યાન્ન સંકટ ઉભુ થાય તેવી શક્યતા છે.
રશિયાએ બ્લેક સી દ્વારા યુક્રેનના ઘઉં અને અન્ય અનાજ ભરેલા જહાજોને સલામત માર્ગ આપવાના કરારથી પોતાને અલગ કરી લીધા હતા. દરમિયાન અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, રશિયા યુક્રેનિયન કાર્ગો જહાજોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.
આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિને કહ્યું હતું કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં આવશે તો તેઓ તરત જ અનાજ કરાર પર પાછા ફરશે. સાથે જ પુતિને માંગ કરી છે કે, રશિયાની કૃષિ બેંકને વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવે. દરમિયાન, યુક્રેન પર રશિયાના ભીષણ હુમલા યથાવત છે. યુક્રેને અનાજના કરારને લઈને વિશ્વને મદદની અપીલ કરી છે. દરમિયાન રશિયાની જાહેરાત બાદ યુરોપિયન સ્ટોક એક્સચેન્જમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં 8.2 ટકાનો વધારો થયો છે.
રશિયન હુમલામાં યુક્રેનના 60 હજાર ટન અનાજનો સોથ વળી ગયો
આ ઉપરાંત મકાઈના ભાવમાં પણ 5.4 ટકાનો વધારો થયો છે. યુક્રેન ઘઉંના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે. યુક્રેનના કૃષિ મંત્રી માયકોલા સોલસ્કીએ કહ્યું હતું કે, રશિયન હુમલામાં 60,000 ટન અનાજનો નાશ થયો છે. આ ઉપરાંત ઘઉંની નિકાસ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નાશ પામ્યું છે. રશિયાએ મંગળવારે ઘઉંની નિકાસ માટે ઉપયોગમાં લેવાતા યુક્રેનિયન બંદરોને નિશાન બનાવ્યા હતા, ટૂંક સમયમાં જ કરારમાંથી ખસી ગયા હતા. જો આ ડીલ ફરી શરૂ નહીં થાય તો તેની વ્યાપક અસર ભારતથી લઈને આફ્રિકા સુધી જોવા મળશે. આફ્રિકન દેશોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.
દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયા બ્લેક સીના પાણીમાંથી યુક્રેનિયન બંદરો તરફ જતા તમામ જહાજોને 'મિલિટરી કાર્ગોના સંભવિત વાહક' તરીકે ધ્યાનમાં લેશે. રશિયાએ બુધવારે જણાવ્યું હતું કે 'બ્લેક સી પહેલની સમાપ્તિ અને મેરીટાઇમ હ્યુમેનિટેરિયન કોરિડોરના ઘટાડાને કારણે, બ્લેક સીમાં યુક્રેનિયન બંદરો તરફ જનારા તમામ જહાજોને 20 જુલાઈની મધ્યરાત્રિએ 12 વાગ્યાથી લશ્કરી કાર્ગોના સંભવિત વાહક તરીકે ગણવામાં આવશે. મંત્રાલયે કહ્યું હતું કે, જે દેશોના ધ્વજ તે જહાજો પર રહેશે તે યુક્રેન દ્વારા સંઘર્ષના પક્ષ તરીકે જોવામાં આવશે.
તુર્કીની મદદથી રશિયા અને યુક્રેનમાં ડીલ કરવામાં આવેલી
તેમાં ઉમેર્યું હતું કે, કાળો સમુદ્રના આંતરરાષ્ટ્રીય પાણીના ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપૂર્વીય ભાગોમાં કેટલાક વિસ્તારોને નેવિગેશન માટે અસ્થાયી રૂપે જોખમી જાહેર કરવામાં આવ્યા છે. રશિયા અને યુક્રેન જુલાઇ 2022માં ઇસ્તંબુલમાં તુર્કી અને સંયુક્ત રાષ્ટ્ર સાથે અલગથી બ્લેક સી ગ્રેઇન ઇનિશિયેટિવ પર હસ્તાક્ષર કર્યા હતાં. તેનાથી યુક્રેનને તેના બ્લેક સીના બંદરો પરથી તેના અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી મળી હતી. મોસ્કોએ 17 જુલાઈ, 2023ના રોજ કરારમાં તેની સહભાગિતાને સ્થગિત કરી દીધી હતી અને કહ્યું હતું કે, જેવો જ કરારોનો રશિયન ભાગ પૂર્ણ થશે તે સાથે જ તે સમજુતિમાં પાછુ ફરશે.