PAKISTAN : વડાપ્રધાન બન્યા પહેલા શાહબાઝે આપ્યું કાશ્મીર પર નિવેદન, જાણો શું કહ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પહેલા જ શાહબાઝ શરીફે કાશ્મીર રાગ આલાપ્યો છે અને કાશ્મીર અંગે નિવેદન આપ્યું છે.
PAKISTAN : પાકિસ્તાનની સંસદે આજે શહેબાઝ શરીફને દેશના 23માં વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. સ્પીકર અયાઝ સાદીકે આની જાહેરાત કરી હતી. શરીફને 174 વોટ મળ્યા હતા. બીજી તરફ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ ઈન્સાફ (PTI)એ મતદાનમાં ભાગ લીધો ન હતો. 342 સભ્યોના ગૃહમાં જીત માટે ઓછામાં ઓછા 172 સભ્યોના સમર્થનની જરૂર હતી.
વડાપ્રધાન તરીકે ગૃહમાં પોતાના પ્રથમ ભાષણમાં શાહબાઝે કહ્યું કે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે. બુરાઈ પર અચ્છાઈ કી જીત.તેમણે કહ્યું કે આ સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે, જ્યાં ચૂંટાયેલા વડાપ્રધાનને કાયદાકીય અને બંધારણીય રીતે ઘરે મોકલવામાં આવ્યા છે.
જો કે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પહેલા જ શાહબાઝ શરીફે કાશ્મીર રાગ આલાપ્યો છે અને કાશ્મીર અંગે નિવેદન આપ્યું છે. વિદેશ નીતિ અંગે સ્ટેન્ડ ક્લિયર કરતા તેમણે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના તે હાંસલ કરી શકાય નહીં.
આ સાથે જ તેમને કહ્યું કે જ્યારે પાકિસ્તાને ભારતમાં પાંચ બ્લાસ્ટ કરીને ભારતના દાંત ખાટા કરી દીધા હતા અને પાકિસ્તાનની ટીકા થઈ રહી હતી ત્યારે સાઉદી અરેબિયાએ આપણું સમર્થન કર્યું હતું. સાઉદી અરેબિયા વિના કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય તેમ નથી.
શાહબાઝ શરીફે કહ્યું, "તુર્કીએ જે પ્રગતિ કરી છે તે બેજોડ છે, તુર્કી એ દેશ છે જ્યારે કાશ્મીરની આઝાદીની વાત આવી, તુર્કી પાકિસ્તાનની સાથે ઉભુ હતું."
શાહબાઝ શરીફે કહ્યું કે કોઈએ શંકા ન કરવી જોઈએ કે ચીન પાકિસ્તાનના સુખ-દુઃખનું ભાગીદાર છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ચીને અમારું સમર્થન કર્યું. કોઈપણ સરકાર આવે કે જાય. કોઈપણ વ્યક્તિ કંઈપણ કરી શકે છે. અમારી પાસેથી ચીનની મિત્રતા કોઈ છીનવી નહીં શકે. અગાઉ સરકારે ચીન સાથેની મિત્રતા નબળી પાડી હતી. અમે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આભારી છીએ.