બ્રિટનમાં ગરમીનો કહેર, Google અને Oracleને બંધ કરવા પડ્યા ક્લાઉડ સર્વર
ઉલ્લેખનીય છે કે પૂર્વ ઈંગ્લેન્ડમાં પારો 40.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ત્યાં રહેતા લોકોને આટલી ગરમીની આદત નથી
નવી દિલ્હીઃ યુરોપમાં ગરમીના કારણે હવે ટેક્નોલોજીમાં અડચણો આવવા લાગી છે. એક તરફ વધતા તાપમાનના કારણે ફ્રાન્સ, ગ્રીસના જંગલોમાં ભયાનક આગ લાગી છે ત્યારે હવે બ્રિટનમાં ગરમીના કારણે દિગ્ગજ ટેક કંપનીઓએ કેટલાક વિસ્તારોમાં પોતાના ક્લાઉડ સર્વર સંબંધિત મશીનો બંધ કરવા પડ્યા છે. યુકેમાં સર્વર ઠંડકની સમસ્યા પછી ગૂગલ અને ઓરેકલને તેમના ક્લાઉડ સર્વરને ઑફલાઇન લેવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ઈંગ્લેન્ડમાં પારો 40.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ત્યાં રહેતા લોકોને આટલી ગરમીની આદત નથી. ટેક કંપનીઓના ડેટા સેન્ટરો પણ ગરમીનો સામનો કરવા સક્ષમ નથી. મોટી નુકસાનીથી બચવા માટે અનેક મશીનો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે.
ઓરેકલે ઘણા ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસાધનો ઑફલાઇન કરી દીધા છે. આમાં યુકેના દક્ષિણમાં સર્વરમાંથી નેટવર્કિંગ, સ્ટોરેજ અને કમ્યૂટનો સમાવેશ થાય છે. કંપનીએ આને હાર્ડવેરને બર્ન થવાથી રોકવા માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે.
ઓરેકલે મંગળવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તાપમાનમાં વધારો થવાના કારણે દક્ષિણ ડેટા સેન્ટરની અંદર કૂલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. તેથી, અમુક વિસ્તારોમાં હોસ્ટ કરેલા ઓરેકલ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસાધનોને ઍક્સેસ કરવામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંબંધિત કામદારો મશીનોને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતી ઓરેકલ એકમાત્ર કંપની નથી. ગૂગલ ક્લાઉડે પણ આવી સમસ્યાઓની વાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુરોપ-વેસ્ટ2-એમાં સ્થિત સિસ્ટમમાં એરરની સંખ્યામાં વધારો થયો છે. લોકોને સેવામાં વિલંબ કે અનુપલબ્ધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Google અને Oracle સિવાય, BigQuery, SQL અને Kubernetes સહિત સ્ટોરેજ અને કમ્પ્યુટને લગતી ઘણી ટેક કંપનીઓ સમસ્યાઓનો સામનો કરી રહી છે. ગૂગલે 4.15 યુનિવર્સલ ટાઇમ પર ડાઉનટાઇમની વાતનો સ્વીકાર કર્યો હતો. ભારે ગરમીથી રેલ અને વીજળી સેવાઓને અસર થઈ છે.