US : બાઈડન માટે કપરા ચઢાણ, સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ મારી શકે છે મેદાન
જો કે બાઈડેનની જાહેરાત સાથે એ નક્કી થઈ ગયું છે કે, ડેમોક્રેટિક પાર્ટીની અંદર તેમને પડકાર ફેંકનારા નેતાઓ ખાસ મજબૂત નહીં હોય.
US President Election 2024: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. છેલ્લા ઘણા મહિનાઓથી બાઈડેન વિશે એવા સંકેતો મળી રહ્યા હતા કે તેઓ 81 વર્ષની ઉંમરે ફરીથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ મંગળવારે યુએસ પ્રમુખે તમામ શંકાઓને દૂર કરી દીધી. જો કે બાઈડેનની જાહેરાત સાથે એ નક્કી થઈ ગયું છે કે, ડેમોક્રેટિક પાર્ટીની અંદર તેમને પડકાર ફેંકનારા નેતાઓ ખાસ મજબૂત નહીં હોય, પરંતુ બાઈડેનની ઉમેદવારી સાથે પાર્ટી દુવિધામાં પડી ગઈ છે કે, 81 વર્ષના રાષ્ટ્રપતિને ટેકો આપવો કે કોઈ અન્ય વિકલ્પ તપાસવો?
પરંતુ, ડેમોક્રેટિક પાર્ટી સામે સૌથી મોટો પડકાર એ છે કે, તેની પાસે બાઈડેન સિવાય કોઈ વિકલ્પ નથી, જે રિપબ્લિકન પાર્ટીમાં ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પને પડકારી શકે. 2020ની ચૂંટણીમાં જો બાઈડેન ટ્રમ્પને હરાવ્યા હતા, પરંતુ આ વખતે મુકાબલો ખૂબ જ કપરો બની રહ્યો છે, કારણ કે બાઈડેનનો ચાર વર્ષનો કાર્યકાળ પણ તેમની સાથે રહેશે. જેમાં બાઈડેન સરકારને વિદેશી મોરચે એક પછી એક ઘણી નિષ્ફળતાઓ મળી છે.
બાઈડેનની ઉંમર મોટું કારણ
અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીનું એવું દુર્લભ બન્યું છે કે, અમેરિકી પ્રમુખોને તેમના પોતાના પક્ષમાંથી જ અન્ય દાવેદારના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી ડેમોક્રેટિક પાર્ટીના મુખ્ય પ્રવાહના કોઈ નેતાએ કહ્યું નથી કે, તેઓ બાઈડેનને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. અત્યાર સુધી, ડેમોક્રેટિક બ્રાસ પણ બાઈડેનની ઉંમર અંગેની ચિંતાઓને સ્વીકારે છે અને પાર્ટીના મોટા ભાગના લોકોએ બાઈડેન માટે એકતા દર્શાવી છે. એમ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના ગવર્નન્સ સ્ટડીઝ પ્રોગ્રામના વરિષ્ઠ ફેલો એલન કામમાર્કે અલ્જાઝીરાના અહેવાલમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, લોકો કહી શકે છે કે, રાષ્ટ્રપતિની ઉંમર 80 વર્ષની નહીં પણ 60 વર્ષની હોવી જોઈએ, પરંતુ તમે તેના વિશે કંઈ જ કરી શકો, તે તેમની ઉંમર છે. એલેન કામમાર્ક કહે છે કે, તેમણે જે રીતે શાસન કર્યું છે તે ડેમોક્રેટ્સને ગમે છે અને બાઈડેનને પક્ષની અંદર એક સક્ષમ અને સ્થિર નેતા તરીકે જોવામાં આવે છે. જે ગત ચૂંટણીની સરખામણીમાં પ્રમુખથી મોટો ફેરફાર છે.
ચૂંટણી સર્વેમાં સ્પર્ધા ખૂબ જ અઘરી
ડાબેરી ન્યૂ ડેમોક્રેટ નેટવર્ક થિંક ટેન્કના પ્રમુખ અને સ્થાપક સિમોન રોસેનબર્ગ માને છે કે, તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન બાઈડેનનું નક્કર પ્રદર્શન મતદારોમાં શક્તિશાળી આકર્ષણ હશે, તેથી જૉ બાઈડેન એક સારા પ્રમુખ રહ્યા છે અને તેમની પાસે ફરીથી ચૂંટણી જીતવા માટે મજબુત દલીલ હશે."
તેમ છતાં, તાજેતરના અઠવાડિયામાં થયેલા ઓપિનિયન પોલ્સે મુકાબલાને બરાબરની ટક્કરનો ગણાવ્યો છે. તાજેતરના એનબીસી ન્યૂઝના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે, માત્ર 26 ટકા અમેરિકનું માનવું છે કે, રાષ્ટ્રપતિ બાઈડેન ફરીથી વ્હાઇટ હાઉસ માટે ચૂંટણી લડવી જોઈએ. જ્યારે 70 ટકા મતદારોનું માનવું છે કે, બાઈડેન હવે રાષ્ટ્રપતિની રેસમાંથી હટી જવું જોઈએ.
આ જ મતદાનમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે, 51 ટકા ડેમોક્રેટ્સ પુનઃચૂંટણી માટે લડતા બાઈડેનની વિરુદ્ધ હતા, જ્યારે તાજેતરના AP-NORC પોલમાં દર્શાવવામાં આવ્યું હતું કે, 47 ટકા ડેમોક્રેટ્સ બાઈડનને ફરીથી પ્રમુખપદની રેસમાં નથી જોવા માંગતા.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ બાઈડેન સામે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો હોઈ શકે છે અને વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ બંને લોકોમાં બાઈડેન કરતાં વધુ લોકપ્રિય છે. બાયડેનના 45 ટકા સામે બંનેને 48 ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.