Asia Cup 2023: આજે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રાહુલ-ઐય્યરની વાપસી, તિલક વર્મા હોઇ શકે છે સરપ્રાઇઝ પેકેજ
Asia Cup 2023: એશિયા કપ માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી નક્કી માનવામાં આવી રહી છે
Asia Cup 2023: 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. બપોરે 1.30 વાગ્યા સુધીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ હાજરી આપશે. વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. એશિયા કપ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેમને વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન મળશે તે પણ નક્કી છે.
એશિયા કપ માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી નક્કી માનવામાં આવી રહી છે. જસપ્રીત બુમરાહે આયરલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે અને તેને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. એશિયા કપ માટે પ્રસિદ્ધ કૃષ્ણાની પણ પસંદગી થઈ શકે છે. પસંદગીકારો એશિયા કપ માટે ટીમમાં 17 ખેલાડીઓને સ્થાન આપવા જઈ રહ્યા છે. જો કે વર્લ્ડ કપ માટે માત્ર 15 ખેલાડીઓની પસંદગી થઈ શકે છે.
યુઝવેન્દ્ર ચહલની નહી થાય પસંદગી
એશિયા કપની ટીમમાં તિલક વર્મા સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ બની શકે છે. તિલક વર્માને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. તિલકે પ્રથમ શ્રેણીમાં પણ પોતાની બેટિંગથી ઘણા પ્રભાવિત કર્યા છે. તિલક વર્મા એવો ખેલાડી છે જે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી શકે છે. તિલક પણ લેફ્ટ હેન્ડર છે, તેથી મિડલ ઓર્ડરમાં તેનો સમાવેશ ટીમને વધુ મજબૂત બનાવશે. ઐય્યરના વિકલ્પ તરીકે તિલક વર્માને પસંદ કરી શકાય છે.
બોલિંગમાં પણ કેટલાક ફેરફારો જોવા મળશે. સિરાજ અને શમીની પસંદગી નિશ્ચિત છે. જો કે શાર્દુલને ક્રૃષ્ણા સામે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે સ્થાન મેળવશે. કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર બની શકે છે. જો કે યુઝવેન્દ્ર ચહલને ટીમની બહાર કરવામાં આવી શકે છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને પણ એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળી શકે છે.